ગોંડલમાં વીજ સપ્લાય કલાકોથી બંધ રહેતા શાસક પક્ષના નેતાએ અડધી રાત્રે વીજ અધિકારીઓને ઉધડા લીધા - police
લોકડાઉન સાથે ગરમીના આ કપરા સમયમાં પાવર સપ્લાય વગર પાંચ મિનિટ વિતાવવી પણ મુશ્કેલ બનતી હોય છે, ત્યારે ઉમવાડા ચોકડી પાસે રમાનાથ ધામ મંદિરની બાજુમાં રહેતા ગરીબ પરિવારોનો વીજ સપ્લાય કલાકોથી બંધ હોય અનેક ફરિયાદો કરવા છતાં પણ અધિકારીઓ ગાંઠતા ન હતા. તેથી પાલિકાના શાસક પક્ષના નેતા દોડી જઇ મોડી રાત્રે જ સમગ્ર વીજતંત્રને ઉધડુ લઈ પાવર સપ્લાય શરૂ કરાવ્યો હતો.
રાજકોટ : જિલ્લાના ગોંડલમાં ઉમવાડા ચોકડી પાસે રહેતા ગરીબ પરિવારના ઝૂપડા પાસે ગત સાંજે વીજ ફોલ્ટ સર્જાતા પાવર સપ્લાય બંધ થવા પામ્યો હતો. જેના પગલે સ્થાનિકો સહિત અનેક ફરિયાદો કરવા છતાં પણ તંત્રએ ધ્યાન આપ્યું ન હતું અને કચેરીના સિક્યુરિટી મેને "ઊલટા ચોર કોટવાલ કો ડાટે " તેવું યથાર્થ કરી ગરીબોને પોલીસ હવાલે કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને થતા તેઓ મોડી રાત્રે વીજ કચેરી ખાતે દોડી ગયા હતા અને પથારીઓ પાથરી પંખાની હવામાં મીઠી નીંદ્રા માણતા કર્મચારીઓને જગાડ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓને મોબાઇલ ફોન કરી ઉધડા લીધા હતા. સવારે પાંચ કલાકે વીજ પુરવઠો શરૂ કરીને જ ઝંપ્યા હતા.