રાજકોટઃ મુખ્ય જળસ્રોતની વાત કરવામાં આવે તો રાજકોટના આજીડેમ અને ત્યારબાદ ન્યારી ડેમમાંથી દૈનિક પાણી શહેરમાં વિતરણ કરવામાં આવે છે, જ્યારે રાજકોટને વધુ પાણીની જરૂર પડે તો ભાદરમાંથી પાણી લેવામાં આવતું હોય છે. પરંતુ આ જળાશયોમાં જ્યારે પાણી ઉનાળા દરમિયાન ખૂટી જય છે, ત્યારે સૌની યોજના મારફતે નર્મદાનું પાણી આ જળાશયોમાં ઠાલવવામાં આવે છે અને રાજકોટવાસીઓ દૈનિક પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
રાજકોટવાસીઓની કાયમી પાણીની સમસ્યા સૌની યોજના થકી હલ થઈ - વડાપ્રધાન મોદી
સૌની યોજના (સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઈ યોજના) થકી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓનું જોડાણ નર્મદા કેનાલ સાથે કરવામાં આવ્યું છે. તેમજ આ નદીઓમાં જરૂરિયાત મુજબ નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવે છે. આ યોજનાનું લોકાર્પણ વડાપ્રધાન મોદીએ વર્ષ 2016માં આજીડેમ પરથી કર્યું હતું. ત્યારબાદ રાજકોટની કાયમી પાણીની સમસ્યા હલ થઈ હોવાનું સામે આવ્યું છે.
આ અંગે ઇટીવી ભારત દ્વારા રાજકોટમાં મેયર બિનાબેન આચાર્ય સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે ચાલુ વર્ષે વરસાદ સારો થયો હોવાના કારણે રાજકોટના જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો, પરંતુ ઉનાળા દરમિયાન એકાએક પાણીની જરૂરિયાત વધતી હોય છે. જે માટે મનપા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને સૌની યોજનાનું પાણી માંગવામાં આવ્યું હતું. આ વર્ષે ઉનાળામાં માત્ર એક જ વાર સૌની યોજનાનું પાણી રાજકોટ મનપા દ્વારા લેવામાં આવ્યું છે. જ્યારે રાજકોટવાસીઓને દરરોજ 20 મિનિટ સુધી પાણી આપવામાં આવે છે. તેમજ જ્યાં હાલ પાણીની પહોંચવાની વ્યવસ્થા નથી, ત્યાં ટેન્કર મારફતે લોકોને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં મે મહિનાની વાત કરવામાં આવે તો રાજકોટના આજીડેમમાં 1માં 17.26 ફૂટ જેટલું પાણી હતું. જ્યારે ન્યારીમાં 15.74 ફૂટ જેટલું પાણી હતું, જેને લઈને આ બન્ને મુખ્ય જળાશયોમાં સૌની યોજના મારફતે પાણી ઠાલવવામાં આવ્યું, જેમાં આજીડેમને 26 ફૂટ અને ન્યારીને 18 ફૂટ જેટલા ભરવામાં આવ્યા હતા. તેમજ આ બન્ને જળાશયોમાંથી રાજકોટને પાણી પૂરું પાડવામાં આવતું હતું. જેને લઈને જ્યારે ઉનાળા દરમિયાન રાજકોટના મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો ખૂટે ત્યારે મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજનાનું પાણી મંગવામાં આવે છે. જેને લઈને કહી શકાય છે કે સૌની યોજના થકી રાજકોટવાસીઓ કાયમી પાણીની સમસ્યાનો ઉકેલ આવી શક્યો છે.