પ્રાણીઓની સુંદરતા ઘણીવાર મન મોહી લે છે. ત્યારે ઝૂમાં રહેતા પ્રાણીઓ તો ખાસ કરીને લોકોના આકર્ષણનું કેન્દ્ર સાબિત થતા હોય છે. વિવિધ ઝૂમાં વિવિધતા ભર્યા પ્રાણીઓ જોવા મળતા હોય છે. જેની વિશેષતા વિશે જાણવું એ પણ એક રસનો વિષય છે. ત્યારે આવી જ ખુશી સાથે રસપ્રદ વાત રાજકોટવાસીઓ માટે છે.
રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સહેલાણીઓને માટે પ્રદર્શનમાં રખાશે 4 સફેદ બાળ વાઘ - પ્રદ્યુમન પાર્ક
રાજકોટ: પ્રદ્યુમન પાર્ક ઝૂમાં તારીખ 2 એપ્રિલ 2019 રોજ વાઘણે 4 સફેદ વાઘ બાળને જન્મ આપ્યો હતો. ત્યારબાદ ઝૂ ખાતે સતત દેખરેખ હેઠળ આ 4 સફેદ બાળ વાઘનો ઉછેર થઈ રહ્યો છે. જેને લઈને આજે મનપા દ્વારા આગામી દિવસોમાં મુલાકાતીઓ આ સફેદ બાળ વાઘને જોઈ શકે તે માટે તેને પ્રદર્શિત કરવાનો નિર્ણય કર્યો છે.
ચોમાસાની ઋતુ શરૂ છે. ત્યારે રાજકોટ મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ચારેબાજુ લીલોતરી જોવા મળી રહી છે. જેને લઈને તાજેતરમાં ઝૂમાં ગાયત્રી નામની વાઘણે 4 સફેદ વાઘના બચ્ચાઓને જન્મ આપ્યો હતો. આ વાધના બચ્ચા હાલ તંદુરસ્ત જણાતા અને ઝૂનું વાતાવરણ યોગ્ય લાગતા મનપા દ્વારા ચાર બચ્ચાઓને પ્રદર્શિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેને લઈને આગામી દિવસોમાં રાજકોટ ઝૂની મુલાકાતે આવનાર લોકોને પણ આ સફેદ વાઘના બચ્ચાઓને નિહાળી શકવાનો લાભ મળશે. હાલ ઝૂમાં સફેદ વાઘની સંખ્યા 10એ પહોંચી છે. જ્યારે ઝૂમાં જુદી-જુદી 53 પ્રજાતિઓના કુલ 408 વન્ય પ્રાણીઓ પક્ષીનોને મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરાઈ રહ્યા છે.