રાજકોટઃ એક તરફ રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ રખડતા ઢોરને પકડતી પાર્ટી પર હુમલો થવાની ઘટના સામે આવી રહી છે. જેમાં રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી પાર્ટી સાથે સ્થાનિકો લોકોએ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આ સ્થાનિકો દ્વારા ઢોર પકડ પાર્ટીના ડબ્બામાંથી ઢોર બળજબરીથી છોડાવવામાં આવ્યા હતાં. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટ કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
રૈયાગામ વિસ્તારમાં લોકો તંત્ર સાથે બાખડી પડ્યાં ડબ્બામાંથી બળજબરીથી ઢોર છોડાવ્યાં : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના સમયે રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી રૈયાગામ વિસ્તારમાં ઢોર પકડવા માટે ગઈ હતી. જે દરમિયાન સ્થાનિકો મોટા પ્રમાણમાં એકઠા થયા હતા અને ઢોર પકડ પાર્ટીને કામગીરીમાં અડચણરૂપ બન્યા હતા. તેમજ તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. જ્યારે દ્વારા પકડવામાં આવેલી ગાય અને વાછડાઓને પણ આ સ્થાનિક ટોળાઓ દ્વારા ડબ્બામાંથી છોડાવવામાં આવી હતી. જોકે આ ઘટનામાં વધુ ઘર્ષણ થાય તે પહેલા જ કોર્પોરેશન નહીં ઉચ્ચ અધિકારીની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો રાજકોટમાં રખડતા ઢોર પકડતી પાર્ટી સાથે ઢોર માલિકોની દબંગાઈ
પિતા પુત્ર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ : રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં રૈયા વિસ્તારમાં રહેતા ભરતસિંહ ઝાલા અને રણજીતસિંહ ઝાલા નામના પિતા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. આ બંને પિતા પુત્ર દ્વારા ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી અને ડબ્બામાંથી બળજબરીથી ઢોરને છોડાવવામાં આવ્યા હતા. જે મામલે કોર્પોરેશન દ્વારા પોલીસો ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી પર હુમલો થવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક વખત ઢોર પકડ પાર્ટી સાથે બોલાચાલીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો Vadodara Corporation: રખડતા ઢોરને પ્રથમવાર CCTVથી સ્કેન કરી માલિકોની સામે પોલીસ કેસ
સિટી પોલીસની ઝૂંબેશ :રાજકોટ શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ દુર કરવા રાજકોટ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત સપ્તાહમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ઢોર પકડ પાર્ટીએ 23થી વધુ પશુઓને પાંજરે પુર્યા હતા. સાથે સાથે જાહેરમાં ઘાસ વેચતા ફેરિયાઓ પર પણ પોલીસે ઘોંસ બોલાવી છે. રાજકોટ સિટી એ ડીવીઝન પોલીસ મથકમાં ઘાસ વેચતાં પાંચ ફેરિયાઓ સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ત્યારે ઢોર પકડ પાર્ટી સાથે બોલાચાલી બાદ ઢોર છોડાવી જવાની ઘટનાને લઇ વધુ એક ફરિયાદ પણ નોંધાવા પામી છે.