- ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો
- દિવાળી વેકેશન બાદ 70 થી 80 હજાર ગુણી મગફળીની આવક
- દિવાળી પહેલા 2 લાખથી વધુ મગફળીની ગુણીઓની થતી હતી આવક
રાજકોટઃ જિલ્લાની ગોંડલ માર્કેટ યાર્ડમાં દિવાળીની રજા બાદ લાભ પાંચમના દિવસથી વેપારીઓએ મગફળીની આવકનો પ્રારંભ કરતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં માત્ર 70 થી 80 હજાર ગુણી મગફળીની આવક જોવા મળી હતી. દિવાળી પહેલા 2 લાખ ગુણી મગફળીની આવક જોવા મળતી હતી. લાભ પાંચમના દિવસે જ મગફળીની આવકોમાં મોટું ગાબડું પડ્યાની સાથે જ યાર્ડમાં સવા લાખ ગુણી જેટલી મગફળીની આવકો ઓછી જોવા મળી હતી. તો બીજી તરફ યાર્ડમાં મગફળીની હરાજીમાં 20 કિલો જીણી મગફળીના ભાવ રૂપિયા 725 થી 1056 અને જાડી મગફળી 750 થી લઈને 1100 સુધીના બોલાયા હતા.
માર્કેટ યાર્ડોમાં મગફળીની આવકો શરૂ થતા જ મગફળીની આવકોમાં મોટું ગાબડું
દર વર્ષે સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોમાં દિવાળી પછી મગફળીની અઢળક આવકો જોવા મળતી હોય છે, પરંતું આ વર્ષે ચોમાસાની સિઝનમાં મગફળી પકવતા ખેડૂતોને અતિવૃષ્ટીનો સામનો કરવાની ફરજ પડી હતી. તેમજ ઉત્પાદન સમયે જ પડેલા સતત વરસાદને કારણે ખેડૂતોનો મોટા ભાગનો મગફળીનો પાક પલળી જવાની સાથે ખેડૂતોને વ્યાપક નુકસાની ભોગવવી પડી હતી. ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ જવાની સાથે દિવાળી પહેલા ખેડૂતોને ન છૂટકે રવિ પાકના વાવેતરની ઉતાવળને લઈને મગફળીનું ન છૂટકે વહેંચાણ કરવાની ફરજ પડી હોવાથી માર્કેટ યાર્ડો મગફળીથી ઉભરાઈ હતી. પરંતુ દિવાળીનું વેકેશન ખુલતા જ માર્કેટ યાર્ડોમાં મગફળીની આવકો શરૂ થતા જ મગફળીની આવકમાં મોટું ગાબડું પડ્યું છે.