દિવાળી તહેવાર બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો રાજકોટ :દિવાળીના તહેવાર બાદ સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ સહિતના જિલ્લાઓમાં ધીમે-ધીમે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ઋતુ બદલતા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં 10 જેટલા ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. જ્યારે ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે. મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં નોંધાયેલા સત્તાવાર આ રોગચાળાના કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ખાનગી દવાખાનામાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
ડેન્ગ્યુના કેસ નોંધાયા :આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર અઠવાડિયે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં જે રોગના કેસ નોંધાતા હોય છે તેના આંકડા જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે જાહેર કરાયેલા આંકડા અનુસાર ગત અઠવાડિયે મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે. આ સાથે જ ડેન્ગ્યુના 10 કેસ જોવા મળ્યા છે.
બંને ઋતુના અનુભવના કારણે વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધ્યું છે. અગાઉ કોરોના દરમિયાન જે કાળજી રાખતા હતા તે તમામ પ્રકારની કાળજી હાલમાં પણ રાખવી જોઈએ, જેના કારણે વાયરલ ઇન્ફેક્શન ઘરના અન્ય સભ્યોને લાગે નહીં. --ડો. જયેશ વાકાણી (આરોગ્ય અધિકારી, રાજકોટ મનપા)
વાઇરલ ઇન્ફેક્શન વધ્યું : આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. જેના કારણે આરોગ્ય કેન્દ્રમાં પણ સામાન્ય તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓની પણ ભીડ જોવા મળી રહી છે.સામાન્ય તાવ શરદી અને ઉધરસના કેસની વાત કરવામાં આવે તો 550 કરતાં વધુ કેસ સામાન્ય તાવ, શરદી અને ઉધરસના નોંધાયા છે. જ્યારે ઝાડા-ઊલટીના 96 જેટલા કેસ આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે.
રોગચાળાથી કેવી રીતે બચશો ? હાલમાં વહેલી સવારે ઠંડી અને બપોરે તડકા એટલે કે બંને ઋતુના અનુભવના કારણે વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધ્યું છે. જેના કારણે શરદી ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રકારના દર્દીઓને ઘરે એકલા રહેવું જોઈએ, સાથે જ ગરમ રાંધેલો ખોરાક લેવો જોઈએ, તેમજ ગરમ પાણી પીવું જોઈએ. આપણે અગાઉ કોરોના દરમિયાન જે કાળજી રાખતા હતા તે તમામ પ્રકારની કાળજી હાલમાં પણ રાખવી જોઈએ, જેના કારણે વાયરલ ઇન્ફેક્શન ઘરના અન્ય સભ્યોને લાગે નહીં.
- 108ને દિવાળી પર્વમાં 3 દિવસ દરમિયાન ફટાકડાથી દાઝવાના કુલ 69 કોલ્સ મળ્યા
- Organ donation : રાજકોટમાં નવા વર્ષના દિવસે કરાયું 108મું અંગદાન