12 જેટલા વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગેંગ કેસ દાખલ રાજકોટ : જિલ્લામાં આર્થિક ફાયદા માટે ગેંગ બનાવી સંગઠિત ક્રાઈમને અંજામ આપતી ટોળકી સામે પોલીસે શરૂ કરેલી ઝૂંબેશમાં વધુ એક સંગઠિત ક્રાઈમ આચરતી ગેંગ સામે ગેંગ કેસ મુકવામા આવ્યો છે. ઉપલેટા પંથકમાં ચોરી, લૂંટ, હત્યાની કોશીશ જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર 12 જેટલા શખ્સો સામે પોલીસે વધુ એક ગુનો નોંધી ધરપકડ માટેની તજવીજ અને અને ઊંડાણપૂર્વક તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.
આખેઆખો પરિવાર ચોરીમાં શામેલ : આ બનાવ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીએસઓએ જણાવ્યું હતું કે રાજકોટ રૂરલ એલ.સી.બી. શાખાના પી.એસ.આઈ. ડી.જી. બડવા દ્વારા ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટાના ચીખલિયા ગામે રહેતા રીઝવાન આમદ નારેજા ઉ.વ.28, વસીમ હબીબ નારેજા ઉ.વ.26, હમીન મુશાભાઈ ઉર્ફે ભીખાભાઈ નારેજા ઉ.વ.38, કાદર રણમલ નારેજા ઉ.વ.42, હુશેન ઈબ્રાહીમ કાતિયાર ઉ.વ.32, મુશા કાશમ નારેજા ઉ.વ.52, જાહિદ મુશા ઉર્ફે ભીખાભાઈ નારેજા ઉ.વ.38, હબીબ તૈયબ નારેજા ઉ.વ.57, વલીમામદ તૈયબ નારેજા ઉ.વ.65, તોહિબ વલીમામદ નારેજા ઉ.વ.38, અકબર આસમ ભટ્ટી ઉ.વ.30 અને ફિરોજ મુસા નારેજા ઉ.વ..35 સામે આઈ.પી.સી. કલમ 400, 401 અને 34 હેઠળ ગુનો નોંધાવ્યો છે.
આ પણ વાંચો Rajkot Crime: ઉપલેટામાં ગ્રાહકે રિલાયન્સ મોલ કર્મચારીને માર માર્યો, પેમેન્ટ અટકી જતાં મારામારી કરી
લાખો રૂપિયાના એરંડાની કટકેકટકે ચોરી કરી : આ અંગે પી.એસ.આઈ. ડી.જી. બડવા દ્વારા જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચીખલિયા ગામના નારેજા પરિવારના અને ઉપરોક્ત આ તમામ શખ્સોએ પોતાના આર્થિક ફાયદા માટે ભેગા મળી પોતાની ગેંગ બનાવી સંગઠિત ક્રાઈમની ઘટનાઓને આકાર આપવા લાગ્યા હતા. આ ગેંગ દ્વારા તા. 16-10-2018 થી તા. 19-10-2018 સુધીમાં ચીખલિયા ગામે રવિકુમાર રસીકભાઈ ભાલાણીના ગોડાઉનમાંથી અને મકાનમાંથી લાખો રૂપિયાના એરંડાની કટકેકટકે ચોરી કરી બારોબાર વેચી નાખી રોકડી કરી હતી. જે ગુનામાં ગેંગના સભ્યોની પોલીસે ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો Rajkot Crime: જવાબદારીમાં ચુક થતા ઉપલેટા કોર્ટે રાજકોટ આજીડેમ પોલીસને ફટકાર્યો દંડ
ખુની હુમલો કર્યો : આ ઉપરાંત નારેજા ગેંગ દ્વારા તા. 06-06-2021 ના ચીખલિયા ગામના ફુલદિપસિંહ જાડેજા ઉપર લૂંટના ઈરાદે ખુની હુમલો કર્યો હતો. જે ગુનામાં પણ આ ગેંગની ધરપકડ કરવામા આવી હતી. આર્થિક ફાયદા માટે લૂંટ, ચોરી, હત્યાની કોશિશના ગુનાને અંજામ આપી ચીખલિયા ગામની ગેંગ પાસેથી પોલીસે રિવોલવર, કાર્ટિસ સહિતના ઘાતક હથિયારો તેમજ ફૂટેલા કાર્ટિસ અગાઉ કબ્જે કર્યા હતા અને આ ગેંગ સામે રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસે તમામ પુરાવાઓ એકત્રીત કરી સંગઠિત ક્રાઈમનો વધુ એક ગુનો દાખલ કરવામા આવ્યો છે. આ બનાવની આગળની સમગ્ર તપાસ ઉપલેટા પોલીસ સ્ટેશના પી.આઈ. કે.કે. જાડેજા, પી.એસ.આઈ. કે.એસ. ગરચર સહિતનો સ્ટાફ ચલાવી રહ્યા છે.