- ફાયર વિભાગમાંથી NOC ફરજીયાત લેવાનો નિયમ બનાવામાં આવ્યો
- નિયમોનું પાલન નહિ કરનાર સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી
- ભવિષ્યમાં આવી કોઇ મોટી ધટના ન બને તે માટે લેવાયો નિર્ણય
રાજકોટ: રાજ્યમાં શાળાઓ અને હોસ્પિટલમાં આગ લાગવાના બનાવને લઈને ઘણા લોકોના જીવ ગયા છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા હવે આગના બનાવ ઘટે અથવા આગ લાગે તો પણ કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે વિવિધ ઉંચી ઇમારતો, શાળાઓ, કોલેજ તેમજ વિવિધ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો ફરજીયાત પણે વસાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે જે તે ફાયર વિભાગમાંથી NOC પણ ફરજીયાત લેવાનો નિયમ બનાવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં આ નિયમોનું પાલન નહિ કરનાર શાળાઓ અને હોસ્પિટલોને હવે સીલ કરવાની તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : સિંધુ નદીથી દક્ષિણમાં સમુદ્ર સુધીના વિસ્તારમાં રહેનારા લોકો એટલે હિન્દુ : મોહન ભાગવત
110 સ્કૂલ અને 16 હોસ્પિટલો સીલ કરાશે
પ્રાદેશિક કમિશનર નગરપાલિકા રાજકોટ ઝોન વરુણકુમાર બરંવાલ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ ઝોનની કુલ 30 નગરપાલિકાઓ પૈકી 19 નગરપાલિકા વિસ્તારની 110 ખાનગી શાળાઓ તથા 16 ખાનગી હોસ્પિટલો કે જેઓને અત્યાર સુધી તંત્ર દ્વારા વારંવાર નોટિસો અને સૂચનાઓ આપવા છતાં ફાયર માંથી NOC મેળવેલ નથી. તેમજ ફાયર સેફ્ટી માટે નિયત કરાયેલ જરૂરી ઇકવિપમેંન્ટ લગાવેલ નથી. જેને લઈને નામદાર હાઇકોર્ટમાં ચાલી રહેલ ફાયર સેફ્ટી અંગેની રિટ પિટિશન નંબર 118/2020 અન્વયે ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેંશન એન્ડ લાઈફ સેફટી મેજરસ એકટ -2013 ની કલમ 25 અને 26 તથા પેટા કલમ 1,2 અને 3ની જોગવાઈઓ મુજબ આ ઈમારતોને સિલ કરવામાં આવશે.
આ પણ વાંચો : હું સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ નથી શક્યો, આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડીશ: જિજ્ઞેશ મેવાણી
આગામી દિવસોમાં કરવામાં આવશે કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓ અને હોસ્પિટલને વારંવાર નોટિસો આપી તેમજ સૂચનાઓ આપી છતાં હજુ સુધી આ શાળાઓ અને હોસ્પિટલો દ્વારા તંત્રની સુચનાનું અને નોટિસ અંગેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જેને લઈને આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોની 19 જેટલી નગરપાલિકાઓના ચીફ ઓફિસરો દ્વારા તમામ ઈમારતોને સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 110 જેટલી ખાનગી શાળાઓ અને 16 જેટલી ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે.