રાજકોટઃ ડુંગળીની નિકાસમાં જે પ્રતિબંધ લદાયો છે તેનો ખેડૂતો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. સરકાર સુધી પોતાના વિરોધનો અવાજ પહોંચાડવા માટે ખેડૂતો વિવિધ વિરોધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ રસ્તા પર ડુંગળી વેરી, કેટલાકે ડુંગળીના હાર પહેરીને વિરોધ નોંધાવ્યો છે. આ શ્રેણીમાં ધોરાજીના એક ખેડૂતે અનોખો વિરોધ રજૂ કર્યો છે. ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીમાં જ સમાધિ લઈ લીધી છે. ખેડૂતે આ રીતે ડુંગળીમાં સમાધિ લઈ લેતા ચકચાર મચી ગઈ છે.
ડુંગળીમાં સમાધિઃ ધોરાજીના ડુંગળી પકવતા ખેડૂત વલ્લભ પટેલે ડુંગળીના નિકાસબંધીનો અનોખો વિરોધ નોંધાવ્યો છે. વલ્લભ પટેલે ખેડૂત આગેવાનો પોતાના ખેતરમાં બોલાવ્યા. તેમની હાજરીમાં જ પોતાના ખેતરમાં ડુંગળીમાં સમાધિ લઈ લીધી છે. એક ખેડૂતે પોતાના ખેતરમાં પોતાના પાકમાં જ સમાધિ લેતા ચકચાર મચી જવા પામી છે. ડુંગળી પકવતા ખેડૂતોને અત્યારે પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા અને ડુંગળીનો પાક સડી રહ્યો છે. તેથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ નીકાળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેથી સૌરાષ્ટ્રના ખેડૂતો રસ્તા પર ડુંગળી વેરી, ગળામાં ડુંગળીના હાર પહેરી અને હવે ડુંગળીમાં સમાધિ લઈને ડુંગળી નિકાસબંધીનો વિરોધ કરી રહ્યા છે.