રાજકોટઃ શહેરમાં સોમવારે એક અને મંગળવારે વધુ એક એમ બે દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 49 પર પહોંચી છે.
શહેરના જંગલેશ્વર વિસ્તારની શેરી નંબર 27માં રહેતા 55 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે આ વૃદ્ધના પૌત્રનો પણ મંગળવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ફરીદાબેન બ્લોચ નામના વૃદ્ધ અને 16 વર્ષના શાહીલ દિલદાર બ્લોચ નામના તરૂણને રાજકોટના કોવિડ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ વૃદ્ધના પુત્ર દિલદાર બ્લોચને પણ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને આ પોઝિટિવ યુવાનના સંક્રમણમાં આવેલા તમામ પરિવારજનોને આરોગ્ય વિભાગ દ્વારા ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને તમામના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી યુવાનની માતાનો અને તેના પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આમ રાજકોટમાં એક ગ્રામ્ય વિસ્તારનો પોઝિટિવ કેસ મળીને કુલ કોરોનાના કેસની સંખ્યા 49 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં રાજકોટમાંથી 14 જેટલા કોરોના પોઝિટિવ દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટમાં હજુ સુધી કોઇપણ કોરોનાના દર્દીનું મોત નીપજ્યું નથી.
મહત્વનું છે કે, રાજકોટ તાજેતરમાં જ જે સગર્ભા કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે તે બાળકોનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે.