રાજકોટમાં નવી કોર્ટ શરૂ થયાના બીજા દિવસે વકીલો વચ્ચે વિવાદ રાજકોટ :રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર ઘંટેશ્વર ગામ નજીક અંદાજે રૂપિયા 110 કરોડના ખર્ચે રાજકોટ કોર્ટની નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે લોકાર્પણ થયાને હજુ બે દિવસ જ થયા છે. એવામાં કોર્ટ પરિસરમાં બેઠક વ્યવસ્થા માટે વકીલો વચ્ચે વિવાદ સર્જાયો છે. કેટલાક જુનિયર વકીલ ટેબલ લઈને કોર્ટ પરિસરમાં આવી પહોંચતા સિનિયર વકીલોએ તેમને રોક્યા હતા. જેના કારણે આ વિવાદ સર્જાયો હતો.
શું છે નવી કોર્ટનો વિવાદ ? આ મામલે રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અર્જુન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે કેટલાક વકીલો દ્વારા રાજકોટ કોર્ટના નવા પ્રિમાઈસીસમાં ટેબલ મૂક્યા હતા. જેના કારણે આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. રાજકોટમાં એવા ઘણા જુનિયર વકીલ મિત્રો છે જે છેલ્લા પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. પરંતુ કોર્ટ બિલ્ડિંગમાં તેમને બેસવા માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. જેના કારણે તેમને પણ એક લાગણી હોય કે નવી બનેલી કોર્ટ બિલ્ડિંગમાં તેમને જગ્યા મળી શકે.
ચોક્કસ લોકો દ્વારા અહીંયા ટેબલ મૂકવામાં આવે અને છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોને જગ્યા ન મળે તે વ્યાજબી ના કહેવાય. -- અર્જુન પટેલ (પૂર્વ પ્રમુખ, રાજકોટ બાર એસોસિએશન)
સમસ્યાનું સમાધાન શું ?અર્જુન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ સામે આવતા ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા સિનિયર વકીલો અને નવી ચૂંટાયેલી બાર એસોસિએશનની બોડીને બોલાવવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજકોટ બાર એસોસિએશનની જનરલ બોર્ડ બોલાવવામાં આવશે. જ્યારે આ જનરલ બોર્ડ દ્વારા એક કમિટીનું નિર્માણ કરવામાં આવશે અને આ કમિટી દ્વારા કોને અહીં બેસવા માટેની જગ્યા ફાળવવી, ક્યાં વકીલ પાસે જગ્યા છે કે નહીં, વકીલોની શું સમસ્યા છે આ તમામ બાબતોનો અભ્યાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેશે.
નવી રાજકોટ કોર્ટ :ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ રાજકોટ કોર્ટની નવી બિલ્ડીંગને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જ્યારે જૂના કોર્ટ બિલ્ડિંગમાં અલગ અલગ જગ્યાએ કોર્ટ હોવાના કારણે વકીલોને એક કોર્ટમાંથી બીજા કોર્ટમાં જવા માટે તકલીફ પડતી હતી. પરંતુ હવે તમામ કોર્ટ એક જ બિલ્ડિંગમાં રાખવામાં આવી છે. એવામાં અહીંયા હવે વકીલોને બેસવા માટેની જગ્યાને લઇને વિવાદ સર્જાયો છે.
- Rajkot News: સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટ બેન્ચ અંગે હજૂ કોઈ નિર્ણય લેવાયો નથીઃ ઋષિકેશ પટેલ
- Rajkot News: રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કરશે લોકાર્પણ