રાજકોટ: સોની બજારમાં બાળકો દ્વારા મજૂરી કરવામાં આવી રહી છે. તેવી બાતમીના આધારે રાજકોટ સુરક્ષા સમાજ સુરક્ષા વિભાગ પોલીસ દ્વારા વહેલી સવારથી જ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડો સાંજ સુધી ચાલ્યો હતો. જેમાં અંદાજિત 62 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. રાજકોટમાં બાળકોને મજૂરી કરાવવાનો મામલો સામે આવ્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે અને ઠેર ઠેર બાળમજૂરોને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સોની બજારમાં વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પ્રથમ વખત મોટી સંખ્યામાં બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે.
વહેલી સવારથી જ કામગીરી હાથ ધરાઇ:સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટની સોની બજારમાં વિવિધ દુકાનોમાં અંદાજીત 62 જેટલા બાળકોને અલગ-અલગ બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે. તેવી વાત સમાજ સુરક્ષા વિભાગને થતા સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ બાળકોને મુક્ત કરાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી જ દરોડાની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે સાંજ સુધીમાં 62 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં બાળ મજૂરોને મુક્ત કરાવવા માટે વિવિધ એનજીઓ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી રહી હતી. ત્યારે આજે સોની બજારમાં સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને આ કામગીરી કરવામાં આવી હતી.
તમામ બાળકો પશ્ચિમ બંગાળના વતની:જ્યારે રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો મોટા પ્રમાણમાં કામ કરી રહ્યા છે. એવામાં સોની બજારમાં જે બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. તેમાં પણ મોટાભાગના બંગાળના બાળકો જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય બાળકો રાજકોટની આસપાસના ગામના છે. જે સોની કામ કરતા હતા તેમજ છૂટક સામાન લેવા મૂકવાનું પણ કામ કરતા હતા. જ્યારે આ તમામ બાળકોને આજે મુક્ત કરાવવામાં આવ્યા છે. જ્યારે બાળકોને મુક્ત કરાવ્યા બાદ હવે તેમને કામે રાખનાર વેપારીઓ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અગાઉ પણ સુરક્ષા વિભાગ દ્વારા પડાયો હતો દરોડો:ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટના સોની બજારમાં પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બાળ મજૂરોને છોડાવવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ સોની વેપારીઓએ બાળ મજૂરોને રાખવાનું બંધ કરવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સોની બજારમાં બાળમજૂરો અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી જેને લઈને આજે વિવિધ એનજીઓની સાથે મળીને સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને 62 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા.