આ આખી જગ્યા અમે ભાડે આપેલી છે રાજકોટઃ સમગ્ર રાજ્યના ચકચારી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ગેરકાયદેસર ટોલનાકા મામલે નવો વળાંક સામે આવ્યો છે. આ મામલામાં પોલીસે અમરશી પટેલને આરોપી બનાવીને ફરિયાદ નોંધી છે. જો કે અમરશી પટેલના પિતા જેરામ પટેલ જે સિદસર ઉમિયાધામના પ્રમુખ પણ છે. તેઓ પુત્રને આ મામલામાંથી બચાવવા મેદાને પડ્યા છે. તેમણે પત્રકારોને ખાસ માહિતી રજૂ કરીને પોતાનો પુત્ર નિર્દોષ હોવાનું જણાવ્યું છે.
ફેક્ટરી ભાડે આપી હતીઃ આરોપી અમરશી પટેલના પિતા જેરામ પટેલે બોગસ ટોલનાકુ ચાલતું હતું તે ફેક્ટરી ભાડે આપી હોવાનું જણાવ્યું હતું. તેમણે આ ફેક્ટરી 11 મહિનાનો કાયદેસરનો ભાડા કરાર કરીને ભાડે આપી હતી. આ ભાડા કરારમાં પણ અમરશી પટેલનું કોઈ નામ સુદ્ધા નથી. વર્ષોથી જેરામ પટેલના પરિવારનો શેડ ખાલી પડી રહ્યો હતો તેથી આ શેડ ભાડે આપ્યો હતો. આ ભાડુઆતને જગ્યા ખાલી કરવા અને ભાડા કરાર રદ કરવા નોટિસ પણ પાઠવી દેવાઈ હતી. જેરામ પટેલ ભાડા કરાર પોલીસ સમક્ષ રજૂ પણ કરી ચૂક્યા છે.
અમરશી પટેલ સંભાળે છે અન્ય ફેક્ટરીઃ જેરામ પટેલે પોતાના પુત્ર અમરશી પટેલ બીજી કંપની સંભાળતા હોવાનું જણાવ્યું છે. જેરામ પટેલે કહ્યું કે, મારા પુત્ર અમરશી પટેલ મારી બીજી સિરામિક ફેક્ટરી જે બહુ દૂર આવેલી છે તેનું સંચાલન કરે છે. બોગસ ટોલનાકામાં તેમનો કોઈ હાથ જ નથી. બોગસ ટોલનાકામાં અમરશી પટેલ પર ખોટો આરોપ લગાડવામાં આવ્યો છે તેઓ આ અંગે પોલીસને વધુ રજૂઆત કરવા સંપર્ક કરવાના છે.
બોગસ ટોલનાકુ ચાલતું હતું તે જગ્યા અમે 11 મહિનાના ભાડા કરારથી ભાડે આપી હતી. આ જગ્યાનો શું ઉપયોગ થવાનો છે તેની કોઈ સ્પષ્ટતા નહોતી. આ સાથે જ મારા પુત્ર અમરશી પટેલને આ જગ્યા સાથે કાંઈ લેવાદેવા નથી. તે અમારી બીજી ફેક્ટરી સંભાળી રહ્યા છે. જોકે આ મામલે પોલીસે ફરિયાદમાં અમરશી પટેલનું નામ કેમ રાખ્યું તે એક ચર્ચાનો વિષય છે. હું આ મામલે પોલીસને પણ રજૂઆત કરીશ...જેરામ પટેલ(પ્રમુખ, ઉમિયાધામ, સિદસર)
- દીવા તળે અંધારુઃ વાંકાનેરમાં વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ધમધમે છે ગેરકાયદેસર ટોલનાકુ
- વાયરલ બનેલા ગેરકાયદેસર ટોલનાકા સંદર્ભે પોલીસે ફરિયાદી બની પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો