રાજકોટ : રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. એવામાં ચોમાસા દરમિયાન રોગચાળો વઘ્યો હોવાની વાત સામે આવી રહી છે. જેમાં રાજકોટમાં હાલ રોગચાળો વકર્યો હોય તે પ્રમાણે કોર્પોરેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં કેસ નોંધાયા છે. રાજકોટમાં શરદી, તાવ, ઉધરસ અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ચોમાસાને લઈને આરોગ્ય તંત્ર પણ એલર્ટ થયું છે અને ઠેર ઠેર ફિલ્ડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. જેને પગલે શહેરમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા જ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.
Monsoon 2023 : રાજકોટમાં ચોમાસા દરમિયાન રોગચાળો વઘ્યો, તંત્રએ ગલી ગલીમાં ફોગિંગ કર્યું ચાલુ - રાજકોટમાં ચોમાસુ
ચોમાસાના આગમનને લઈને રોગચાળા સામે લડતા રાજકોટનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટમાં શરદી, તાવ અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે મેલેરિયા વિભાગના સુપરવાઈઝર અને ફિલ્ડ સ્ટાફ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને પાણીમાં મચ્છરોના ઈંડાને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગત સપ્તાહની અંદર રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આવતા આરોગ્ય કેન્દ્રની વાત કરવામાં આવે તો તેમાં મેલેરિયાનો 1 કેસ આ ઉપરાંત શરદી ઉધરસના 217 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 49 કેસ અને ઝાડા ઉલટીના 111 જેટલા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડા બાદ જે વરસાદ જોવા મળી રહ્યો છે. તેના કારણે મચ્છરજન્ય રોગચાળવવામાં વધારો થાય તેવી શક્યતાઓ છે. જેને લઇને રાજકોટની આરોગ્ય વિભાગની ટીમ અને આશા વર્કર અને ફિલ્ડ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. - ડો જયેશ વાકાણી (મનપા આરોગ્ય અધિકારી)
મેલેરિયા વિભાગને એલર્ટ કરવામાં આવ્યું :આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મેલેરિયા વિભાગના સુપરવાઈઝર અને ફિલ્ડ સ્ટાફ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને પાણીમાં મચ્છરોના ઈંડાને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ વિવિધ વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઘરે ઘરે જઈને ફીવર ટેસ્ટની પણ એક્ટિવિટી કરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતો હોય છે. જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી અને કોલેરા સહિતના કેસોમાં વધારો જોવા મળતો હોય છે. ચોમાસા દરમિયાન દૂષિત પાણી અથવા પાણીમાં ભેળસેળના કારણે આ પ્રકારના રોગમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે ચોમાસાને લઈને રાજકોટમાં રોગચાળો વકરે નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ શતર્ક છે.