રાજ્યમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે દેશના દીગ્ગજ રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે, તો બીજી તરફ રાહુલ ગાંધી પણ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે કેન્દ્રીયપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાની સૌરાષ્ટ્રના પ્રચારે આવ્યા હતા. જેમાં તેમણે દિવસ દરમિયાન અલગ અલગ 3 લોકસભા બેઠકના ઉમેદવાર માટે મત માગી પ્રચાર કર્યો હતો.
આધુનિક ભારતના આધુનિક જયચંદને હિન્દુસ્તાનની જનતા માફ નહિ કરેઃ સ્મૃતિ ઈરાની - BJP
રાજકોટઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાજકોટ ભાજપના ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારિયાના સમર્થનમાં જાહેરસભા સંબોધી હતી. જેમાં સ્મૃતિ ઈરાનીને સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સભામાં સ્મૃતિએ સભા સંબોધનની શરુઆતથી જ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

સ્મૃતિ ઇરાનીએ જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. રાજકોટ ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાને મત આપી ફરી એક વખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનાવવા અપીલ કરી હતી. સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા ધારદાર પ્રહારો કર્યા હતા. સાથે ગુજરાતમાં પ્રચાર માટે આવેલ નવજોત સીધુ અંગે નિવેદન આપ્યુ કે, જે કોંગ્રેસના નેતાએ પાકિસ્તાનના આર્મી ચીફને ગળે લગાવ્યા, પુલવામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનને ક્લીન ચિટ આપી, જે નેતાના ભાષણને પાકિસ્તાન રેડિયો પ્રકાશિત કરે છે તે જયચંદ માફીને લાયક નથી. આધુનિક ભારતના આધુનિક જયચંદને હિન્દુસ્તાનની જનતા ક્યારેય માફ નહીં કરે.