- રાજકોટમાં પેટ્રોલ પંપ પર મર્સીડિઝ કાર ચાલક ડીઝલ પુરાવી ફરાર
- પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
- પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી
રાજકોટમાં પેટ્રોલ પંપ પર મર્સીડિઝ કાર ચાલક ડીઝલ પુરાવી ફરાર - મર્શિડિઝ કાર
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર ચાર શખ્સ મર્શિડિઝ કારમાં આવ્યા હતા અને તેમણે કારમાં ડીઝલ પુરાવ્યા બાદ પૈસા માટે રકઝક કરી કાર સાઈડમાં લેવાનું કહી આ શખ્સો નાસી ગયા હતા. આ મામલે પંપના મેનેજરે ફરિયાદ કરતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
રાજકોટઃ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા પેટ્રોલ પમ્પમાં મર્સીડિઝ કાર ચાલકે પેટ્રોલ પુરાવ્યા બાદ માથાકૂટ કરીને પૈસા ન આપ્યા હોવાની ઘટના સામે આવી છે. જે મામળવ માલવીયાનગર પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઇ છે. જેને લઈને પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડયાં છે. જ્યારે આ મામલે એક ઈસમ ફરાર હોવાનું સામે આવ્યું છે. જો કે પેટ્રોલ પમ્પ પર મોંઘી કારની બનેલી ઘટનાને લઈને શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પેટ્રોલપંપ પર પૈસા મામલે થઈ રહી રકઝક
ગોંડલ રોડ પર આવેલા ત્રિપદા પેટ્રોલપંપ પર મર્સીડિઝ સાથે ચાર ઈસમો આવ્યા હતા. અને ત્યાં કર્મચારીએ કાર ચાલકને પુછીને રૂપિયા 4240નું ડીઝલ પુરી આપ્યું હતું. જો કે કાર ચાલક યશપાલસિંહ જાડેજાને ફિલરમેન પૈસા આપવાનું કહેતા તે રૂપિયા 250 આપે છે. જ્યારે ડીઝલના પૈસા વધુ થયા હોવાથી પેટ્રોલપંપના કર્મચારી દ્વારા પૈસા માંગવામાં આવતા કાર ચાલક દ્વારા ડેબિડ કાર્ડ આપવામાં આવે છે પરંતુ તેમાંથી પૈસા નહિ વસુલાતા કાર ચાલક સહિતના ઈસમો દ્વારા બબાલ કરીને ત્યાંથી જતા રહ્યા હતા.
માલવીયાનગર પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા
સમગ્ર મામલે પેટ્રોલપંપના મેનેજર દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા રાજકોટ માલવીયા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને આ મામલે ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં કાર ચાલક યશપાલસિંહ જાડેજા સહિત હિમાંશુ, લક્કીરાજસિંહની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે દિગ્વિજયસિંહ નામનો ઈસમ હાલ ફરાર છે. પોલીસે આ મામલે CCTVના આધારે વધુ તપાસ શરૂ કરી છે.