રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં શંકાસ્પદ છોડનો ભેદ FSL તપાસમાં ખુલ્યો રાજકોટ :મોરબી રોડ ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટીના કોલેજ કેમ્પસમાંથી શંકાસ્પદ છોડવા વાવેલા મળી આવ્યા હતા. જેને લઈને શંકા હતી કે, આ છોડવા ગાંજાના છે. ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ છોડના સેમ્પલ લઈને એફએસએલમાં મોકલ્યા હતા. જ્યારે હવે આ છોડવાનો એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. જેમાં સામે આવ્યું છે કે, આ શંકાસ્પદ છોડવા ગાંજાના હતા. ત્યારે આ મામલે રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો દ્વારા મારવાડી કોલેજ કેમ્પસમાં ગાંજો ઉગાડવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ ઉગાડવાની ઘટના સામે આવ્યા બાદ શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.
શું હતી ઘટના ? રાજકોટની ભાગોળે મારવાડી યુનિવર્સિટી આવેલી છે. જ્યારે આ યુનિવર્સિટીની અંદર જ બોયસ અને ગર્લ્સ હોસ્ટેલ સહિત દેશ-વિદેશના છાત્રો પણ અભ્યાસ કરે છે. ત્યારે મારવાડી યુનિવર્સિટી અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. એવામાં ગત 13 એપ્રિલના રોજ મારવાડી યુનિવર્સિટીના કોલેજ કેમ્પસમાં શંકાસ્પદ છોડવા ઉગાડેલા મળી આવ્યા હતા. જ્યારે આ મામલે મીડિયાને જાણ થતાં તાત્કાલિક અજાણ્યા ઈસમો દ્વારા આ છોડવાને સળગાવવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાને લઈને પોલીસ પણ મારવાડી કોલેજ ખાતે પહોંચી હતી.
NSUI દ્વારા વિરોધ : આ શંકાસ્પદ છોડવાના નમૂના લઈને તાત્કાલિક એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્રણ મહિના બાદ FSL ના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આ શંકાસ્પદ છોડવા ગાંજાના હતા. જેના આધારે હવે પોલીસ દ્વારા મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ ઉગાડવાની વાત સામે આવ્યા બાદ આ મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
મારવાડી યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. ત્યારે હવે યુનિવર્સિટીમાં ગાંજો ઉગાડવાની વાત સામે આવી છે. જેને લઇને તાત્કાલિક મારવાડી યુનિવર્સિટીની માન્યતા સરકાર દ્વારા રદ કરવામાં આવે. તેમજ મારવાડી યુનિવર્સિટીના ડાયરેકટર અને કોલેજના સંચાલક વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધવામાં આવે તેવી અમારી માંગણી છે.-- નરેન્દ્ર સોલંકી (પ્રદેશ પ્રમુખ, NSUI)
વિવાદિત યુનિવર્સિટી : અગાઉ પણ આ મામલે NSUI દ્વારા મારવાડી કોલેજ કેમ્પસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે એફએસએલ રિપોર્ટમાં મારવાડી યુનિવર્સિટીમાં ઉગાડવામાં આવેલ છોડ ગાંજાનો હોવાનું સામે આવ્યા બાદ NSUI વધુ આક્રમક બન્યું છે. હાલ આ સમગ્ર મામલે ACP વિશાલ ગઢવીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા મારવાડી કોલેજ કેમ્પલ્સ ખાતેથી શંકાસ્પદ છોડના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે તે FSL માં મોકલતા તેમાં સામે આવ્યું છે કે, આ છોડ ગાંજાના હતા. ત્યારે આ મામલે કુવાડવા પોલીસ મથકમાં ગુનો દાખલ છે. હવે આ મામલે તપાસ SOG કરી રહી છે.
- Rajkot Crime: કુલ 20 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા, એક મહિલા ફરાર
- રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં રેગિંગ, બીબીએ વિદ્યાર્થીની જાતીય સતામણીના કેસમાં પોલીસે 3ની અટકાયત કરી