રાજકોટઃરાજ્યમાં ગણપતિ ભગવાનના અનેક એવા મંદિરો છે, જે ખૂબ જ અલગ પ્રકારના છે. જેમનું વિશેષ મહત્વ છે. આવું જ એક મંદિર આવેલું છે ઉપલેટાના ઢાંક ગામમાં. અહીંના મંદિરમાં ભક્તોની મહિમા અપરંપાર છે અને ભક્તો પણ અનોખી આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંયા પોતાના દુઃખ દર્દ ગણપતિ દાદા સામે વ્યક્ત કરે છે. એક એવા ગણપતિ જેઓ મૂષક નહીં, પરંતુ સિંહ પર સવાર છે. આ ગણપતિ દાદા ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવી માન્યતા છે.
આ પણ વાંચોHanumanji Mandir: વિઝા નથી મળતા! કરો આ હનુમાનજીના દર્શન ને પછી જૂઓ ચમત્કાર
દેશવિદેશથી આવે છે ટપાલઃ ઉપલેટા પાસે આવેલું અને અનેક ઈતિહાસ સાથે જોડાયેલું ઢાંક ગામના હજારો વર્ષ પૂરાણું એક પૌરાણિક સ્વયંભૂ પ્રગટ થયેલું શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આવેલું છે. આ ગણપતિ દાદાની અનોખી આસ્થા અને શ્રદ્ધા છે, જેમાં આ ગણપતિ દાદાને તેમના ભક્તો અને શ્રદ્ધાળુઓ પત્ર લખીને ટપાલના માધ્યમથી પોતાના દુઃખ દર્દની વાત કરે છે. મંદિરના પૂજારી દરરોજ ગણપતિ દાદાને ટપાલ વાંચીને સંભળાવે છે, ત્યારે આ મંદિરમાં દરરોજ ભક્તો દ્વારા સ્થાનિક તેમજ દેશવિદેશથી રોજની ભક્તોની 100થી 150 જેટલી ટપાલો આવે છે.
મંદિરનો અનેરો મહિમાઃ ઢાંક ગામ ખાતે દર વર્ષ ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. અહીં ગણેશ મહોત્સવનો અનેરો મહિમા છે. અહીં ભાવિકો દર્શનાર્થે અનેક મનોકામનાઓ સાથે આવે છે આ મંદિરમાં ભાવિકો દ્વારા ટપાલ લખવાથી પોતાની મનોકામના પૂર્ણ થાય છે તેવી લોકમાન્યતા છે. ગુજરાતના ગણપતિ મંદિરોમાં ઢાંક ગામ ખાતે આવેલા ગણપતિનો મહિમા જ કંઈક અલગ છે, જેથી અહીં ભાવિકો હોંશે હોંશે દાદાને ટપાલ દ્વારા પોતાના દુઃખ દર્દો લખી આપે છે.
ભક્તોની મુશ્કેલી દૂર થાય છેઃ આ મંદિર અંગેની લોકવાયકા અને પૂરાણો અનુસાર, દરેક યુગમાં ગણેશજીનું વાહન અલગઅલગ છે. તે મુજબ અહીંયા સિંહના વાહન ઉપર બિરાજમાન ગણેશજી સમગ્ર ભારતમાં ક્યાંય જોવા મળતા નથી. જ્યારે મંદિરમાં બિરાજમાન અન્ય સફેદ આંકળાના ગણેશજી જોવા એ પણ એક લ્હાવો છે. સિદ્ધિવિનાયક દાદાને કોઈ પણ ભક્તો માત્ર પત્ર લખે છે અને એ પત્ર પૂજારીજી ગણેશજી સામે વાંચે અને ભક્તોની મુશ્કેલી પત્ર દ્વારા જણાવે એટલે તરત જ ગણેશજી ભક્તોની તમામ મુશ્કેલી દૂર કરે છે.
પાંડવો આ વિસ્તારમાં આવ્યા હોવાની લોકવાયકાઃ ઢાંક ગામમાં ચારેય દિશાઓમાં ગણપતિ દાદા બિરાજે છે અને દરેકનાં મુખનગર એટલે કે, ગામ તરફ છે. ત્યારે કહે છે કે, જ્યાં જ્યાં ગણપતિ દાદા બિરાજતા હોયય ત્યાં આધિ-વ્યાધિ, ઉપાધિ કે કુદરતી આફતો આવતી નથી, જેથી આ ઢાંક ગામમાં પણ કયારેય આફત આવી નથી અને આ સાથે આ મંદિરની એવી પણ લોકવાયકા છે કે, અહીંયા પાંડવો આ વિસ્તારમાં આવ્યા હતાં અને ગણપતિજી સહિત શિવ પરિવારની પૂજાવિધિ કરી હતી અને આશરે 2,000 વર્ષે પૂર્વે ઢાંકનું નામ પ્રેહપાટણ હતું, જેમાં એક સાધુ મહારાજે જોઈ કારણોસર શ્રાપ આપી ઢાંકને હતું નહતું કરી નાખ્યું. ત્યારે આ સમયે ગામ જમીનમાં દટાયું હતું અને માયા એટલે કે ધન-દોલત માટી થઈ ગયા હતા. ત્યારબાદમાં ભક્તજનોએ ગજાનન સમક્ષ ગામને ફરી વસાવવા પ્રાર્થના કરી હતી અને ગામ વસ્યું હતું. ત્યારથી આજ દિન સુધી ગણપતિ બાપ્પા ભક્તોની અરજ સાંભળતા આવ્યા છે અને આજે પણ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુઃખ દૂર કરે છે.
આ મંદિર રાજકોટના ઢાંક ગામમાં આવેલું છે અહીં ગણેશજીનું વાહન સિંહ છેઃ ઢાંક ગામમાં આવે આ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરના પટાંગણમાં પહોંચતાં જ પ્રથમ ગણેશજીના મોટાભાઈ અને દેવોની સેનાના અધ્યક્ષ એવા કાર્તિકેય ભાગવાના દર્શન થાય છે. આ સાથે અહીંયા સફેદ આંકડાના ગણપતિ, સુમુખ ગણપતિ, નાગનાથ મહાદેવ તેમ જ શિવ પરિવારના દર્શન થાય છે ત્યારે આ પ્રાચીન સિદ્ધિવિનાયક ગણપતિ દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે, જેનો મહિમા કંઈક અલગ જ છે. કારણ કે, આપણે સૌ કોઈએ લગભગ દરેક ગણપતિ દાદાના વાહન તરીકે મૂષક એટલે કે ઉંદર તરીકે જોયેલા હોય છે, પરંતુ અહીં તેમનું વાહન અને આસન સિંહનું આસન છે જેની પર ગજાનન બિરાજમાન છે.
પૂજાર ગણપતિ સામે વાંચે છે પત્રોઃ આ મંદિરમાં ભક્તો પોતાની મુશ્કેલીઓ, સમસ્યાઓ દેશવિદેશથી લખીને મોકલે છે. અહીંયા જ્યારે તેમની ટપાલ પત્ર પહોંચે છે. ત્યારે પૂજારી ભરતગિરી ગોસ્વામી આ પત્રોને ગણપતિદાદા સમક્ષ વાંચે છે. તેમ જ તેમને કાલાવાલા કરી અને ભક્તોની સમસ્યા દૂર કરવા માટે પ્રાર્થના કરે છે ત્યારે લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સાથે સંકળાયેલા આ સિદ્ધિવિનાયક ગણપતિ દાદા ભક્તોની સમસ્યાઓ તકલીફો દૂર કરે છે અને ભક્તોની સમસ્યા જ્યારે દૂર થાય છે. ત્યારે ભક્તો પણ અહીં પોતાની આસ્થા, શ્રદ્ધા અને મનોકામના પૂર્ણ કરવા માટે પગપાળા તો કોઈ અન્ય રીતે આવે છે અને દાદાને શીશ નમાવી આશીર્વાદ મેળવે છે.
આ પણ વાંચોVadodara Sarveshwar Mahadev Statue : વડોદરામાં પવન દેવે કરાવ્યા મહાદેવના દર્શન, જૂઓ કઈ રીતે
લોકોમાં અનેરો વિશ્વાસઃપૂજારીના જણાવ્યાનુસાર, ગણપતિ દાદા જ્યારે તેમને સંકેત આપે છે. ત્યારે તેઓ જેતે ભક્તોને જવાબી પત્ર લખી અને તેમની સમસ્યા અને તેમની દુઃખ દર્દની તકલીફો માટે જવાબ પણ પત્રના માધ્યમથી આપે છે. ત્યારે ઘણા ભક્તો પોતાની અનેક સમસ્યાઓ અને દુઃખોને દાદા સમક્ષ રૂબરૂ અથવા તો પત્રના માધ્યમથી જણાવે છે. તે તમામની તમામ મનોકામનાઓ ઢાંક ગામના આ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદા ચોક્કસ રીતે પૂરી કરે છે તેવી દરેક ભક્તોને અને શ્રદ્ધાળુઓને આશા છે. તેમ જ આ આશાઓ આ દાદા પૂર્ણ કરે છે ત્યારે તમે પણ કોઈ દુઃખ દર્દ કે સમસ્યાથી પીડાતા હો તો તમે પણ આ ગણપતિ દાદાને પત્ર લખીને પ્રાર્થના કરી શકો છો, જે આ ગણપતિ દાદા ચોક્કસપણે સાંભળશે અને તમારી મનોકામના પૂર્ણ પણ કરશે તેવો લોકોમાં વિશ્વાસ છે.