રાજકોટઃ જેતપુર નગરપાલિકાના પ્રમુખના દિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને હોમ આઇસોલેટ કરવામાં આવતા તેનો ખોટી રીતે રિપોર્ટ કર્યો છે તેમ જણાવી તેને સંજીવની હોસ્પિટલના ડૉક્ટર સાથે ગેરવર્તન કર્યુ હતુ અને ડૉક્ટરો પર હુમલાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે ડૉક્ટરર્સએ સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન સખરેલીયાના દિયર અને પૂર્વ પ્રમુખ સુરેશભાઈનો ભાઈ મનીષ ઉર્ફે મિન્ટાને તાવ ઉધરસ જેવું હોવાથી તેણે સંજીવની હોસ્પિટલના ડૉક્ટર સંજય ક્યાડા પાસે રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેની પત્નીનો સિટી સ્કેન કરાવતા તેના રિપોર્ટમાં પણ કોરોનાના લક્ષણ દેખાતા તેમને રિપોર્ટ કરાવવાની ડૉક્ટરે સલાહ આપી હતી. પરંતુ તેમને રિપોર્ટ કરાવ્યો ન હતો. મિન્ટાનો રિપોર્ટ પોઝિટિવ હોવાથી ગતરોજ તેને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો હતો.
જેથી ડૉક્ટર સંજય ક્યાડાએ પોલીસ સ્ટેશનમાં ત્રણ કોલ કરેલા પરંતુ કોલ રિસીવ થયો ન હતો. ત્યારબાદ શુક્રવારના રોજ ફરી મનીષ સંજીવની હોસ્પિટલે આવીને લેબ ટેક્સીયન સાગર ગોંડલીયાને ધક્કો મારીને તે મારો રિપોર્ટ ખોટો કર્યો છે તેવું કહી ગેરવર્તન કર્યુ હતુ અને ડોક્ટર સંજય ક્યાડાને પણ અપશબ્દો બોલી ગેરવર્તણુક કરી હતી. જેથી ડૉક્ટરે પોલીસ બોલાવી હતી.
મિન્ટાએ 4 મહિના પૂર્વે આજ હોસ્પિટલમાં કમ્પાઉન્ડરને બેરહમી પૂર્વક માર માર્યો હતો. જેમાં પોલીસ ફરીયાદ થઇ હતી. ઉપરાંત શુક્રવારના રોજ પણ હોસ્પિટલે માથાકૂટ કરતા રાત્રીના જેતપુર મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરો એકઠા થઇ હોસ્પિટલે આવ્યા હતા અને ડો. ક્યાડાએ મિન્ટા સામે હોમ આઈસોલેશનનો ભંગ કરી નશામાં ચકચૂર થઈ ગેરવર્તન કરી હુમલો કરવાના પ્રયાસની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.