રાજકોટ : જેતપુરમાં સાડીઓની ઘડી ઈસ્ત્રી કરતા કેટલાક કારખાનેદારો પરપ્રાંતીય બાળકોને પગાર આપ્યા વગર ગોંધી રાખી તેની પાસે મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું હતું. એક સંસ્થાને બાતમી મળતા સ્થાનિક પોલીસને સાથે રાખી છાપો મારીને ત્રણ કારખાનાઓમાંથી 29 જેટલા બાળ મજૂરો મળી આવ્યા હતા. મળી આવેલા આ તમામને બાળકોને મુક્ત કરાવી કારખાનેદાર તેમજ ઠેકેદારો સામે જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શું છે સમગ્ર મામલો : આ અંગેની મળતી માહિતી અનુસાર જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલી સાડીઓની ઘડી ઇસ્ત્રીનું કામ કરતા કેટલાક કારખાનાઓમાં બાળમજૂરો રાખવામાં આવતા હતા. આ બાબતે બાળકોને બાળ મજૂરીમાંથી બચાવતી એક સંસ્થાને બાતમી મળી હતી. આ બાતમીને આધારે સંસ્થાએ સ્થાનિક પોલીસને સાથે રાખી નવાગઢ વિસ્તારમાં ત્રણ જુદા જુદા કારખાનાઓમાં છાપો માર્યો હતો. આ કારખાનાઓમાં યુપી, બિહારથી ઠેકેદારો મારફત બાળકોને મજૂરી કામ માટે લાવવામાં આવતા. છેલ્લા છ મહિનાથી કારખાનામાં ગોંધી રાખી પગાર આપ્યા વગર ફક્ત બે ટાઈમનુ ભોજન આપી સખત બાળમજૂરી કરાવવામાં આવતી હતી.
ક્યાંથી કેટલા બાળકો મુક્ત કરાયા : મળતી માહિતી અનુસાર બાળ મજૂરો જાતે પોતાની આપવીતિની કથા કહેતા પોલીસે ત્રણેય કારખાનેદારો સામે ફરિયાદ નોંધી છે. જેમાં નવાગઢના અનાજના ગોડાઉન પાસે આવેલ સેમ્સ ટાબરેક પ્રિન્ટ ફિનિશિંગ કારખાનામાંથી 21 જેટલા બાળ મજૂરો, નવાગઢ ઉત્તર દરવાજા પાસે આવેલા કાજલ ફિનેશીંગમાંથી 5 બાળકો અને નીતા ફિનીશીંગમાંથી 3 બાળમજૂરો મળી આવતા તેઓને મુક્ત કરાવ્યા હતાં. આ તમામ બાળમજૂરોને સીટી પોલીસ સ્ટેશને લાવી તમામનો કોવિડ ટેસ્ટ કરાવીને રાજકોટ બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવામાં આવશે અને ત્યાંથી તમામને તેમના વતન મોકલવામાં આવશે.