રાજકોટઃ 1933થી રાજકોટમાં વખણાય છે જય સીયારામના પેંડા. રાજકોટનું નામ પડે અને જય સીયારામ ભગતના પેંડાવાલાના પેંડા યાદ આવ્યા વગર રહે જ નહી. પહેલાના સમયમાં માવાના પેંડાનું ચલણ વધુ હતું. તે સમયે રાજકોટમાં વર્ષ 1933માં દૂધના પેંડા બનાવવાની શરુઆત પ્રથમ વખત કરવામાં આવી હતી. હરજીવનજીએ પ્રથમ વખત દૂધના પેંડા બનાવવાની શરુઆત કરી હતી. તેમજ તેઓએ તે સમયમાં પેંડાને થાળમાં રાખીને ઘરે ઘરે વેચવા જતા હતાં, હરજીવનજીને સીતારામ પર અતૂટ શ્રધ્ધા હતી માટે તેઓ સામે મળતા લોકોને જય સીયારામ કહેતા અને માટે જ તેઓ લોકોમાં સીયારામના નામથી ઓળખવા લાગ્યા હતા.
ડિસ્કવર ઇન્ડિયા: 1933થી રાજકોટમાં વખણાય છે જય સીયારામના પેંડા
ગુજરાતમાં મોટાભાગના લોકો ફુડી હોય છે, એટલે તમને તમામ પ્રકારની ચટપટી, મસાલેદાર વાનગીઓનો ખજાનો ગુજરાતમાં મળી જશે. વળી, ગુજરાતના જિલ્લાઓ પણ તેની ખાસ ખાણીપીણી માટે વખણાય છે. જેમ કે, સુરતનો લોચો અને ઘારી, ભાવનગરના ગાંઠીયા, ખંભાતની સુત્તરફેણી, જામનગરના ઘૂઘરા અને રાજકોટના પેંડા. એમાંય જો તમે રાજકોટમાં જઈને જય સીયારામના પેંડા ના ખાધા તો તમારો ધક્કો વસુલ થયો ન ગણાય. આવો જાણીએ જય સીયારામાના પેંડા વિશે આ અહેવાલમાં...
વર્ષો જતા જય સીયારામના પેંડા રાજકોટ સહિત દેશ વિદેશમાં પણ વખણાવા લાગ્યા હતાં. જેને લઈને રાજકોટ સહિત અમદાવાદમાં પણ જય સીયારામના પેંડા નામે દુકાન શરૂ કરવામાં આવી હતી. રાજકોટના પેંડાની ઓળખ એવી છે કે, તેનો ઉલ્લેખ ગુજરાતી ફિલ્મોના સોન્ગમાં પણ જોવા મળે છે. રંગીલા રાજકોટમાં જો કોઈ મહેમાન આવે તો અહીથી પેંડા લીધા વગર પાછા જતા નથી. હાલ એવી નામના જય સીયારામ પેંડાવાલાની જોવા મળે છે. આપણે મોટાભાગે માવાના પેંડા અલગ-અલગ જગ્યાએ જોવા મળે છે, પરંતુ રાજકોટમાં દૂધના પેંડાની શરુઆત કરનારા જયસીયારામ હતા, માટે જ તેમની નામના હજુ પણ રાજકોટમાં પેંડાવાલા તરીકે જોવા મળે છે.