પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની ETV ભારત સાથેની વાતચીત રાજકોટ: આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા અલગ અલગ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને પ્રથમ વખત પ્રદેશ ઇલેક્શન કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઇને ETV ભારત ગુજરાત દ્વારા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
લોકો ભ્રષ્ટાચાર, બોગસ સરકારી કચેરી-ટોલનાકાથી હવે થાકી ગયા છે - ઇન્દ્રનીલ રાજ્યગુરુ:
કોંગ્રેસની તૈયારી આવતા મહિનાથી જોવા મળશે. જ્યારે વર્તમાન સમયમાં લોકો પણ ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે. જેમાં ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટતા હોય, મોંઘવારી વધી રહી હોય અને પોલીસ સ્ટેશનમાં લોકોને જવાબ ન મળતા હોય, જ્યારે રાજ્યમાં નકલી મામલતદાર કચેરી, ટોલનાકા પકડાતા હોય, પેપરો ફુટતા હોય આ તમામ બાબતોથી લોકો હવે કંટાળી ગયા છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં પણ લોકો સો ટકા કોંગ્રેસને સહકાર આપશે.
કોંગ્રેસે 70 વર્ષમાં લોકોને ઘણું બધું આપ્યું છે - ઇન્દ્રનીલ રાજ્યગુરુ:
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં 5 પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભલે ભાજપની સરકાર આવી હોય પરંતુ તમે આ પાંચ રાજ્યના વોટ જુઓ તો 10 લાખ કરતા વધુ વોટ કોંગ્રેસના ઉમેદવારોને મળ્યા છે. જેની ઈફેક્ટ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે અને કોંગ્રેસ જ દેશની સૌથી જૂની લાર્જેસ્ટ સિંગલ પાર્ટી છે જે પાંચ રાજ્યોના પરિણામ ઉપરથી ખ્યાલ આવી શકે છે. કોંગ્રેસે 70 વર્ષમાં લોકોને ઘણું બધું આપ્યું છે આજે જે વર્ષો જૂના ડેમ ઊભા છે, લોકો પાકા ઘરમાં રહે છે, પાણીની સુવિધાઓ છે, રોડ રસ્તાની સુવિધાઓ છે, કોમ્પ્યુટર સહિતની ટેકનોલોજી છે આ તમામ વસ્તુઓ કોંગ્રેસના શાસનમાં જ આવી હતી. ભાજપે લોકોને કશું આપ્યું નથી. આજે પણ ઘણા બધા વિસ્તારમાં કોંગ્રેસની વિચારધારા સાથે લોકો જોડાયેલા છે જેને લઈને આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં જે રીઝલ્ટ આવશે તેમાં ચોક્કસ ફરક જોવા મળશે.
લોકસભાની ચૂંટણી કેમ નહિ લડે ઇન્દ્રનીલ રાજ્યગુરુ:
હું આગામી દિવસોમાં યોજનાના લોકસભાની ચૂંટણી લડવાનો નથી. જ્યારે વર્ષ 2017માં પક્ષ દ્વારા મને ધારાસભાની ચૂંટણી લડવા માટેનો આદેશ હતો અને હું લડ્યો હતો પરંતુ આ વખતે મારી પ્રદેશની સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે. જેને કારણે હું લોકસભાની ચૂંટણીને લઈને લડવા માટેની તૈયારીઓ કરી શકું નહીં. જ્યારે ચૂંટણી લડવા માટે લોકોના પ્રતિનિધિ બનવું પડે, લોકો સીધી રીતે ઓળખી શકે અને ત્યારબાદ જ ચૂંટણી લડી શકાય.
ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. એવામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને ઇલેક્શન કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઈને તેમના સમર્થકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા મને પહેલીવાર ઇલેક્શન કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેને હું આવકારું છું. મારી કામ કરવાની માનસિકતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જેનો મને આનંદ છે. આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને લોકો ખૂબ જ સમર્થન આપશે તેવી તેમને આશા પણ વ્યક્ત કરી છે.
- પોલીસ ભરતીના નિયમોમાં થશે બદલાવ; ગૃહ વિભાગ ટુંક સમયમાં કરશે જાહેરાત, જુઓ ETV પર કેવા હશે નવા નિયમો ?
- સરકારી યોજનાઓ તમામના ઘર સુધી પહોંચી - CM ભૂપેન્દ્ર પટેલ