રાજકોટ : આગામી દિવસોમાં મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણનો તહેવાર છે. એવામાં ઉતરાયણના તહેવાર પર્વ દરમિયાન દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શહેરના ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના તેમજ અન્ય રાજ્યના અને વિદેશના પતંગ બાજોએ ભાગ લીધો હતો.
અલગ અલગ પ્રકારની પતંગો આવી : આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ રસિયાઓ અલગ અલગ પ્રકારની પતંગો લઈને રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતાં. તેઓએ ઉત્સાહપ્રેરક વાતાવરણમાં રાજકોટમાં પતંગ ઉડાડવાની મજા માણી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય પતંગો જોવા માટે રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.
રાજ્યની આઠ મહાનગરપાલિકામાં યોજાશે પતંગ મહોત્સવ : સમગ્ર કાર્યક્રમને લઈને રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં તે સમયે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની પરંપરા શરૂ કરી હતી...
જ્યારે આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાતની આઠે આઠ મહાનગરપાલિકામાં તારીખ 10 થી લઈને 13 તારીખ સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાઇ રહ્યું છે. તેના ભાગરૂપે રાજકોટમાં પણ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈરાન, ઈરાક,પોલેન્ડ, નાગાલેન્ડ, નેપાળ, થાઈલેન્ડ, હોંગકોંગ, મલેશિયા સહિતના અલગ અલગ દેશોમાંથી મોટા પ્રમાણમાં પતંગબાજો રાજકોટ ખાતે પડ્યા છે...જયમીન ઠાકર (સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મનપા )
પતંગની પરંપરા વિશ્વ ફલક સુધી પહોંચી : જયમીન ઠાકરે જણાવ્યું હતું કે અત્યાર સુધી આપણે 1થી 2 ફૂટની પતંગો જોઈ હતી, જ્યારે હવે 10-10 માળના એપાર્ટમેન્ટ જેટલી મોટી પતંગો હાલ આપણે નિહાળી શકીએ છીએ. આપણી આ પરંપરાને પીએમ મોદી વિશ્વ ફલક સુધી લઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો લોકો પોતાના પરિવાર સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મજા માણવા માટે આવતા હોય છે. ત્યારે આજે પણ મોટી સંખ્યામાં લોકો પતંગ મહોત્સવને નિહાળવા આવ્યાં હતાં.
ગુજરાતી ફૂડ અને ગરબા લોકપ્રિય બન્યાં : રાજકોટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા નાગાલેન્ડના પતંગબાજે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ગુજરાતમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ચોથી વખત ભાગ લેવા માટે આવી પહોંચી છું. જ્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મને ખૂબ જ ગમે છે. આ સાથે જ અહીંનું ફૂડ અને વાતાવરણ પણ ખૂબ જ સારું છે. ગુજરાતી ગરબા પણ મને ખૂબ જ પસંદ છે. કાર્યક્રમ દરમિયાન વિદેશી પતંગ બાજો પણ ગુજરાતના ગરબા ઉપર ગરબે ઘુમતે જોવા મળ્યાં હતાં.
- Kite Festival: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ, CM ભુપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્દઘાટન
- Kite Festival 2024: વાઇબ્રન્ટ ગુજરાત થકી લોકલ પતંગને મળ્યો ઉદ્યોગનો દરજ્જો