- મહિલાઓ દ્વારા મોંઘવારી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
- વર્તમાન સરકાર ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા.
- મહિલા કોંગ્રેસ દ્વારા ગરબા યોજીને ભાજપ સરકાર પ્રત્યે પોતાનો રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો
રાજકોટ : દેશમાં ડગલેને પગલે મોંઘવારી વધી રહી છે. એવામાં લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેને લઇને વિવિધ પક્ષો દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ગઇકાલે તા.12 ના આંબેડકર નગર વિસ્તારમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાંધણગેસના બાટલા, શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે મોંઘવારીના ગરબા યોજવામાં આવ્યા હતા. ગરબાની સાથે મહિલા કોંગ્રેસ દ્વારા વર્તમાન સરકાર ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા.
મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી ગરબા યોજવામાં આવ્યા
રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને ખાસ મોંઘવારી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોંઘવારી ગરબામાં કોંગી મહિલા કાર્યકર્તાઓ શાકભાજી, રાંધણગેસના બાટલા, કઠોળ, તેલના ડબ્બા સાથે ગરબા રમતી જોવા મળી હતી. જ્યારે હાથમાં વિવિધ સ્લોગન પણ મહિલા કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યા હતા. મહિલા કોંગ્રેસ દ્વારા ગરબા યોજીને ભાજપ સરકાર પ્રત્યે પોતાનો રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ કરતા નજરે પડ્યા હતા.