ગોંડલઃ શહેરમાં શનિવારની રાત્રે પશુધનને કતલખાને લઇ જવાતા વાહનને ગૌ સેવક દ્વારા અટકાવવા જતાં બે જૂથ વચ્ચે સર્જાયેલી બબાલના પગલે પોલીસ દ્વારા બન્ને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદ હિંદુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગદળ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યુ હતું.
ગોંડલમાં ગૌરક્ષકો સામે ખોટી ફરિયાદને લઈને શહેરમાં સ્વયંભૂ બંધ - બજરંગદળ
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગૌરક્ષકો સામે ખોટી ફરિયાદને લઇ શહેર સ્વયંભુ બંધમાં જોડાયું હતું. શહેરની નાની-મોટી બજાર, જેલ ચોક, બસ સ્ટેન્ડ ચોક, ગુંદાળા દરવાજા સહિતના રાજમાર્ગો સૂમસામ જોવા મળ્યા હતા.
જેમને કારણે શહેર સ્વયંભુ બંધમાં જોડાયું હતું. જ્યારે માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા રાત્રિના યાર્ડ ચાલુ રહેવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ યાર્ડના શ્રમિકો દ્વારા કામ હાથ ન ધરતા માર્કેટ યાર્ડ સતાધીશોની યાર્ડ ચાલુ રહેવાની જાહેરાત પોકળ સાબિત થવાની સાથે સરકારી ખરીદી સિવાયની તમામ હરાજી બંધ રહી હતી.
શહેરની નાની-મોટી બજાર, ગુંદાળા રોડ, બસ સ્ટેન્ડ રોડ, વિક્રમસિંહ કોમ્પ્લેક્સ, કૈલાશ કોમ્પલેક્ષ, જેલચોક, માંડવી ચોક સહિતની બજારો સ્વયંભૂ બંધ રહી હતી. અલબત્ત પોલીસ તંત્ર દ્વારા જ ગતરાત્રીના જ શહેરમાં ધાડેધાડા ઉતારી આપવામાં આવ્યા હતા. રાત્રીનાં ગૌરક્ષક ગોપાલભાઈ ટોળીયા, વિજયભાઈ જાદવ, પૃથ્વીભાઈ જોશી સહિતની અટક કરી પૂછપરછ કરવામાં આવી હતી.