રાજકોટઃ રાજકોટમાં સિવિલ હૉસ્પિટલ સહિત વહીવટી તંત્ર દ્વારા દસથી વધુ ખાનગી હોસ્પિટલમાં કૉવિડ સેન્ટર માટેની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને દર્દીઓને કોરોનાની સારવાર સમયસર મળી રહે. છતાં પણ રાજકોટમાં કોરોના સંક્રમણ સત્તત વધતું રહ્યું છે અને રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ છેલ્લા એક સપ્તાહથી રાજકોટની મુલાકાતે છે.
રાજકોટમાં ડૉક્ટર્સ માટે IMAએ રેડ એલર્ટ જાહેર કર્યું, 125 ડૉકટર્સ સંક્રમિત - કોરોના વોરિર્યસ કોરોનાની ઝપેટમાં
રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં સત્તત કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. દરરોજ 20થી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત થઈ રહ્યા છે અને 70 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જેના લઇ IMAએ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
તમને જણાવી દઇએ કે, રાજકોટ માટે વધુ એક ચિંતાના સમાચાર જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોરોનાની સારવાર કરતા કરતા 125થી વધુ તબીબો કોરોના સંક્રમિત થયા છે. જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) ડૉક્ટર્સ માટે રેડ એલર્ટ જાહેર કરી ચિંતા વ્યક્ત કરી છે.
રાજકોટમાં હાલ કોરોના સંક્રમણ રોકવા માટે અન્ય જિલ્લાના પણ 70 કરતા વધુ તબીબો સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ કોરોનાની સારવાર માટે આવતા હોય છે. જેને લઈને રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. પરંતુ રાજકોટમાં કોરોનાની સારવાર કરી રહેલા ડૉકટર્સ પણ કોરોના સંક્રમિત થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.