રાજકોટઃ ગોંડલ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ અને નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં તાકીદની મીટિંગ મળી હતી. જેમાં જણાવાયું હતું કે, આવનારા દિવસોમાં સરકારી મંજૂરી મેડિકલ ચેકઅપના નિતી નિયમોના આધારે અન્ય શહેર, જિલ્લા કે રાજ્યમાંથી લોકો પોતાના વતન આવી શકે છે.
ગોંડલમાં પ્રવેશવું હશે તો ચેકપોસ્ટ પર નોંધણી ફરજિયાત, નિયમના ભંગ બદલ ગુનો નોંધાશે - ગોંડલ તાલુકા સેવા સદન
ગોંડલ શહેર કે પંથકમાં આવવા માગતા લોકો માટે ગોંડલ તાલુકા સેવા સદન ખાતે તાકીદની મીટિંગ મળી હતી. જેમાં 10 ક્લસ્ટર, 5 સુપરવાઇઝર અને 60 ફિલ્ડ સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી. શહેર તાલુકાની સાત ચેકપોસ્ટમાંથી કોઇપણ જગ્યાએ પ્રવેશતા પહેલા નોંધણી કરાવવી ફરજિયાત છે અન્યથા ગુનો નોંધવામાં આવશે.
ગોંડલ તાલુકામાં પ્રવેશવા માટે વાસાવડ, દેરડી કુંભાજી અને ગોમટા ચેકપોસ્ટ છે, જ્યારે શહેરમાં પ્રવેશવા માટે આશાપુરા ચોકડી, ગુંદાળા ચોકડી, બાપા સીતારામ ચોક ઘોઘાવદર રોડ તેમજ મોવિયા ચોકડીમાંથી પ્રવેશની ચેકપોસ્ટ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જો કોઈ અન્ય રસ્તેથી પ્રવેશ કરી નિયમોનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સાંજના સાતથી સવારના સાત સુધી કોઈએ ઘરની બહાર ન નીકળવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બહારગામથી આવતા લોકોએ માહિતી આપવાની રહેશે અથવા જો માહિતી વગર કોઇ પ્રવેશ મેળવે તો 220093 અથવા 220008 ઉપર ફોન કરી તંત્રને જાણ કરી શકાશે.