રાજકોટઃ ગોંડલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને લઇને શહેરની ગોંડલી નદીમાં ભારે પૂર આવ્યા હતા. ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલા રૈયાણી નગર અને શંકરવાડી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે તંત્રની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. હાલ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગોંડલ પંથકમાં ભારે વરસાદ, વોરકોટડા ગામ સંપર્ક વિહોણું, વાસાવડી નદીમાં 1 વ્યક્તિ તણાયો - ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે રાજકોટ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નદી-નાળા છલકાયા હતા અને નવા નીરની આવક થઇ હતી.
ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ગોંડલી નદીમાં પૂર આવતાં ગોંડલ-વોરાકોટડા માર્ગ પરની ધાબી ઉપર પાણી ફરી વળ્યાં હતા. નદીમાં ભારે પુર આવતા વોરા કોટડા ગામ સંપર્ક વિહોણું થયું હતું. અનેકવાર તંત્ર વોરા કોટડાની ધાબીનું નિરીક્ષણ કરીને નીકળી જાય છે. TDO અનિલ રાણાવસિયાએ પણ આ ધાબીનું નિરીક્ષણ કર્યું હતું. છતા પણ આજદિન સુધી કોઇ કામગીરી કરવામાં આવી નથી. પરિણામે આ વોરાકોટડા ગામ ભારે વરસાદના કરાણે સંપર્ક વિહોણું બને છે.
ગોંડલ તાલુકાના વાસાવડ ગામની વાસાવડી નદીમાં ભારે પૂર આવ્યું હતું. વાસાવડ ગામમાં પ્રવેશતાં મુખ્યમાર્ગ પરનો વાસાવડી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. કોઝવે પરથી પસાર થઈ રહેલો સાઈકલ સવાર પૂરના પાણીમાં તણાયો હતો. મનસુખભાઈ સોલંકી (ઉ.વ.55) નામનો આધેડ પાણીમાં તણાતા ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા નદીના પાણીમાં શોધખોળ શરૂ કરી હતી.