રાજકોટ:રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે જૂનાગઢ જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જૂનાગઢની પરિસ્થિતિ મામલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજકોટ કલેકટર કચેરીમાં બેઠક યોજી હતી તેમજ વિવિધ અધિકારીઓને જૂનાગઢના લોકોને બને એટલી મદદ કરવા માટેની તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે હતા તે દરમિયાન જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને લઇને મુખ્યપ્રધાન દ્વારા જૂનાગઢમાં વરસાદની પરિસ્થિતિ મામલે રાજકોટમાં જ બેઠક યોજી હતી.
સીએમના તમામ કાર્યક્રમ રદ:મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા બેઠક યોજ્યા બાદ આ અંગેની માહિતી આપતા રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે રાજકોટ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અનેક કાર્યક્રમો હતા. રાજકોટના કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સમાચાર મળ્યા હતા કે જૂનાગઢ જિલ્લામાં બપોરે 1 વાગ્યાથી અત્યાર સુધીમાં ખૂબ જ ભારે વરસાદ થયો છે. એવામાં જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર એનાથી પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. મુખ્યપ્રધાને તાત્કાલિક રાજકોટમાં પોતાનો કાર્યક્રમ ટૂંકાવીને રાજકોટના કલેકટર કચેરીમાં આવેલા કંટ્રોલરૂમમાં જૂનાગઢના કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તમામ પરિસ્થિતિઓની માહિતી મેળવી હતી.