ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot International Airport: હવે સૌરાષ્ટ્ર થયું વિદેશ સાથે કનેક્ટ, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ફ્લાઈટે ઉડાન ભરી

રાજકોટના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિધિવત રીતે ફ્લાઈટની શરુઆત થઈ છે. પ્રથમ પેસેન્જર ફ્લાઈટ આવી પહોંચતા તેનું વોટર કેનનથી સેલ્યુટ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Greenfield International Airport Rajkot
Greenfield International Airport Rajkot

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 8:51 AM IST

રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આજથી શરૂ

રાજકોટ :સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રંગીલા રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આજથી વિધિવત રીતે શરૂ થયું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રથમ વખત પેસેન્જર ફ્લાઈટ આવી પહોંચતા તેનું વોટર કેનનથી સેલ્યુટ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રથમ ફ્લાઇટમાં જે પણ મુસાફરો આવ્યા હતા તેમને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આવકારવામાં આવ્યા હતા. સૌનાં મોં મીઠા કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પેસેન્જર ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટનું જૂનું એરપોર્ટ હવે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર વિદેશ સાથે થશે કનેક્ટ

2654 કરોડના ખર્ચે નિર્માણ : ગુજરાતમાં ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રથમ રાજકોટમાં નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 2654 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. રાજકોટથી 30 કિલોમીટર દૂર હિરાસર ગામ નજીક 2,500 એકર જેટલી જગ્યામાં તૈયાર કરવામાં આવ્યું છે. એરપોર્ટમાં 14 જેટલા પ્લેન પાર્કિંગ થઈ શકે છે. ગુજરાતમાં અંદાજે 3 કિમી કરતા વધારાનો સૌથી લાંબો એરપોર્ટ રનવે રાજકોટ એરપોર્ટનો છે. રાજકોટની બહાર હિરાસર ગામ નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય જેને લઇને એસટી વિભાગ દ્વારા આ એરપોર્ટ માટે ઈલેક્ટ્રીક બસની ફાળવણી કરવામાં આવી છે. જે બસ દર બે કલાકે રાજકોટ બસ સ્ટેન્ડ ખાતેથી મુસાફરોને મળી રહેશે.

પેસેન્જર ફ્લાઈટ શરૂ :રાજકોટમાં ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ પોતાના ખાસ વિમાન સાથે પ્રથમ વખત નવનિર્માણ પામેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું હતું. ત્યારબાદ તેઓ રાજકોટમાં જનસભાને સંબોધન કરવા માટે આવી પહોંચ્યા હતા. એવામાં આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણ બાદ તેમાં થોડું પ્રાથમિક તબક્કાનું કામ બાકી હતું. જેને લઇને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેને રાજકોટ એરપોર્ટને સોંપવામાં આવ્યું નહોતું. પરંતુ હવે આ પ્રાથમિક કામગીરી પૂર્ણ થયા બાદ તેને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેને લઇને આજથી આ એરપોર્ટ ઉપર મુસાફરોની અવરજવર શરૂ થઈ છે.

ઉદ્યોગકારોને સૌથી વધુ લાભ :રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર માનવામાં આવે છે. એવામાં સૌરાષ્ટ્રભરમાંથી ઉદ્યોગકારો રોજબરોજ નાના-મોટા કામ માટે રાજકોટ ખાતે આવતા હોય છે. એવામાં હવે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયું છે. ત્યારે આગામી દિવસોમાં આ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ શરૂ થશે. જેને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેપારીઓને દેશ-વિદેશમાં મુસાફરી કરવા માટે તેનો સીધો ફાયદો થશે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવતો હતો. જેના કામનું ખાતમુહૂર્ત પણ પીએમ મોદીએ જ કર્યું હતું. તાજેતરમાં જ પીએમ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે વિધિવત રીતે અહીંથી અલગ અલગ ફ્લાઈટો પણ શરૂ થઈ છે.

  1. Rajkot International Airport: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન વેનું કામ 90 ટકા પૂર્ણ, ઓગસ્ટ સુધીમાં કામ પૂર્ણ થશે
  2. Rajkot Udaipur-Indore Flight : રાજકોટમાં ઉદયપુર-ઇન્દોરની ફ્લાઇટનું અનોખું સ્વાગત, ડાયરેક્ટ રેગ્યુલર ફ્લાઈટ શરુ

ABOUT THE AUTHOR

...view details