સાયબર ફ્રોડ ટોળકીને બેંક એકાઉન્ટ વિગતો વેચનાર ગેંગ ઝડપાઈ રાજકોટ : હાલમાં સાયબર ક્રાઇમમાં વધારો થયો છે. એવામાં રાજકોટમાં સીએનું કામ કરતા ઈસમ દ્વારા પોતાના ક્લાઈન્ટનું ખાતું સાયબર ક્રાઇમ કરતી ટોળકીને વહેંચવામાં આવ્યું હતું. જ્યારે માત્ર 5% કમિશનના આધારે આ બેન્ક એકાઉન્ટ વેચવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂપિયાના બોગસ વ્યવહાર થયા હતા. જે મામલે રાજકોટ સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ચાર ઈસમોની અટકાયત કરી છે. જ્યારે આ ગુનામાં અન્ય રાજ્યોનું પગેરુ નીકળ્યું છે. જેના આધારે પોલીસ આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી રહી છે.
સાયબર ફ્રોડ કરતી ગેંગ :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ ગુનાના ફરિયાદી એવા કૃપાલીબેન ચોથાણી લોથડા વિસ્તારમાં નર્મદા અગરબત્તી બનાવવાનું કારખાનું ધરાવે છે. જ્યારે તેમના એકાઉન્ટનું કામ અશ્વિન બટુકભાઈ હિરપરા નામનો ઈસમ કરી રહ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી કૃપાલીબેનના બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો થયા હતા. જેના આધારે તેમને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકને જાણ કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું છે કે, અશ્વિન બટુક હિરપરાએ પોતાના સાગરીતો સાથે મળીને કૃપાલીબેન ચોથાણીને વિશ્વાસમાં લીધા હતા. તેમના બેંક એકાઉન્ટની તમામ વિગતો સાયબર ફ્રોડ કરતી ગેંગને વેચી હતી. જેના બદલ પાંચ ટકા કમિશન નક્કી થયું હતું. ત્યારબાદ આ ગેંગ દ્વારા અલગ અલગ સાયબર ફ્રોડ કરવામાં આવ્યા હતા અને કરોડોના બેનામી વ્યવહાર આ બે એકાઉન્ટો દ્વારા કરવામાં આવ્યા હતા. જેના આધારે પોલીસે અશ્વિન સહિત ચાર લોકોની અટકાયત કરી છે.
બેંક ખાતું વેચ્યું : આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થ રાજસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમ પોલીસ મથકને એક ફરિયાદ મળી હતી. જેમાં અરજદારના નામનું બેંક એકાઉન્ટ ખોલાવીને સીએનું કામ કરતા એક ઈસમે કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર કર્યા હતા. જેના આધારે રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે આ સીએનું કામ કરતાં ઈસમ દ્વારા પોતાના ક્લાઇટના નામનું બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું અને અન્ય ચાર પાંચ ઈસમો સાથે મળીને ગુનાહિત કાવતરું રચીને આ બેંક એકાઉન્ટની તમામ વિગતો સાયબર ફ્રોડ કરનાર ગેંગને આપી હતી. જ્યારે સાયબર ફ્રોડ કરનાર ગેંગ આ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર કામ માટે કરતા હતા. ત્યારે આ બેંક એકાઉન્ટમાં આવતા ગેરકાયદેસર ટ્રાન્જેક્શનમાંથી 5 ટકા રકમમાં સીએની ટોળકીને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઈમ દ્વારા ચાર ઇસમોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ કરી છે.
આવી રીતે થતી ઠગાઈ : પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ સાયબર ક્રાઈમ કરતી ટોળકી ટેલિગ્રામ, વોટ્સએપ સહિતની સોશિયલ મીડિયા એપ્લિકેશન ઉપર અનેક લોકોને મેસેજ મોકલવામાં આવતા હતા. જેમાં ઘરે બેઠા બેઠા ટાસ્ક પૂરો કરવાનો અને પૈસા કમાવાના આ પ્રકારની સ્કીમ હેઠળ અનેક લોકોને ભોગ બનાવતા હતા. જ્યારે શરૂઆતમાં વર્ક ફ્રોમ હોમનો ટાસ્ક પૂરું કરવા માટે 800 થી 900 રૂપિયાની ડિપોઝિટ અરજદારો પાસેથી ઉઘરાવવામાં આવતા હતા. જ્યારે સાયબર ક્રાઈમ કરતી ટોળકી 800 થી 900 ઉઘરાવીને સામે 1 હજારથી 1100 રૂપિયા અરજદારોને આપતી હતી. આ રીતે અરજદારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા. જ્યારે વિશ્વાસમાં લીધા બાદ સાયબર ક્રાઇમ આચરનાર ટોળકી દ્વારા મોટી રકમ માંગવામાં આવતી હતી. આ મોટી રકમ એક વાર આવી એકાઉન્ટમાં ગયા બાદ સાઇબર ક્રાઈમ કરતી ટોળકીના ફોન બંધ કરી નાખવામાં આવતા હતા અને આ પ્રકારે ગુના આચરવામાં આવતા હતા.
- Jetpur Woman Constable Suicide: જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત મામલો, સાત દિવસ બાદ પોલીસ સામે નોંધાઈ ફરિયાદ
- Bogus LRD Call letter Scam : રાજકોટમાં બોગસ કોલ લેટર સાથે યુવાન પોલીસમાં હાજર થયો અને કૌભાંડ ખૂલ્યું