રાજકોટના સાંસદ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરાયુ - મોહનભાઈ કુંડારિયાએ ૧૫ કિમી પ્રવાસ
રાજકોટઃ મહાત્માં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાજપના સાંસદો દ્વારા પોતાના મત વિસ્તારોમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજીને ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા દ્વારા ગાંધી સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મોરબી નજીકના શકત શનાળા ગામના શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ગાંધી સંકલ્પ યાત્રા શરુ કરી હતી. જે યાત્રા આજે મોરબીના નાની વાવડી ગામ તેમજ વાડી વિસ્તારમાં ફરી હતી. સંકલ્પ યાત્રામાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ જેવા વિષયો પર ભાર મુકવામાં આવ્યો હતો. દરેક સાંસદ ૧૫૦ કિમી પ્રવાસ પોતાના કાર્યક્ષેત્રમાં કરવાના છે. જેમાં સાંસદ મોહન કુંડારિયાએ ૧૫ કિમી પ્રવાસ કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે પૂર્વ ધારાસભ્ય, ભાજપ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.