ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: વિરપુરમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાનની શક્યતા - Unseasonal rains

રાજકોટ જિલ્લામાં આવેલા યાત્રાધામ વિરપુરમાં કમોસમી વરસાદથી કપાસ, ઘઉં, જીરૂં ધાણા અને ચણાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે. ખેડૂતોને ચોમાસા બાદ શિયાળામાં પણ ખેત ઉપજમાંથી નુકસાની થવાની શક્યતા જણાઈ રહી છે.

વિરપુરમાં કમોસમી વરસાદ
વિરપુરમાં કમોસમી વરસાદ

By

Published : Dec 11, 2020, 10:29 PM IST

  • માવઠાને કારણે શિયાળુ પાકને નુકસાનની શક્યતા
  • કપાસ, ઘઉં, જીરૂં ધાણા અને ચણાના પાકને નુકસાનની શક્યતા
  • ખેડૂતોને મજૂરીનું વળતર પણ ન મળે તેવી સ્થિતિ સર્જાઈ

રાજકોટ/વિરપુર: ગત ચોમાસામાં અતિવૃષ્ટિ, બે-બે વાવાઝોડા અને ત્યારબાદ તૈયાર પાક પર માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ જગતના તાતને ચોમાસામાં થયેલી નુકસાનીનું શિયાળામાં વળતર મળી રહેશે તેવી આશા હતી. કેમ કે, પાછોતરા સારા વરસાદને કારણે નદી, નાળા, કૂવા, બોર વગેરેમાં હજુ પાણી ભરેલા છે. પરિણામે સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળો પાક પણ ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. પરંતુ ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ યાત્રાધામ વિરપુર પંથક સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આજ સવારથી જ જાણે ચોમાસુ ફરી સક્રિય થયું હોય તેમ આકાશમાં વાદળાં ઘેરાયા છે. હમણાં જ ધોધમાર વરસાદ તૂટી પડશે તેવી શકયતા વચ્ચે વિરપુર પંથકના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા તો કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું.

મજૂરીનું વળતર પણ ન મળે તેવી સ્થિતિ સર્જાઈ

આ માવઠાથી પાક ઢળી જાય છે. જેમાં ઘઉં અને જીરાંના પાકના દાણા કાળા પડી જવાથી ઉપજ થાય ત્યારે તે નબળી ગુણવત્તાની થાય અને બજારમાં જે ઘઉંના ચારસો રૂપિયા અને ધાણાના બારસો રૂપિયા બોલાતા હોય તેમાં ઘઉંના બસો અને ધાણાના છસ્સો રૂપિયા આવે એટલે મજૂરીનું વળતર પણ ન મળે તેવી સ્થિતિ સર્જાવાની ખેડૂતોને ચિંતા જણાઈ રહી છે. જેથી ખેડૂતોને શિયાળુ પાકમાં પણ નુકસાન થશે તેમ લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details