રાજકોટ :હાલમાં સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તેની સીધી અસર બજાર ઉપર પડી રહે છે. જ્યારે સોનાભાન ચાંદીના સતત ભાવ વધારાના કારણે સોની વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે આ ભાવ વધારાનું હજુ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ આંતરરાષ્ટ્રીય બજારના કારણે સોના ચાંદીના ભાવમાં વધારો થયો હોવાની શક્યતાઓ વેપારીઓ માની રહ્યા છે. આ સાથે જ બીજું કારણ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું પણ જોવા મળી રહ્યું છે પરંતુ હાલમાં બજારમાં મંદી હોવા છતાં પણ સોના ચાંદીના ભાવમાં વધારો થતા સોની વેપારીઓ ચિંતામાં મુકાયા છે
સોનાના રૂપિયા 3 થી 4 હજારનો ભાવ વધારો જોવા મળ્યો :સોના ચાંદીના ભાવને લઈને વર્ષોથી રાજકોટના પેલેસ રોડ ઉપર સોના ચાંદીની દુકાન ધરાવતા રીતેશ પાલાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જે સોનાના ભાવ થોડા દિવસો પહેલા રૂપિયા 57,000 હતા તે અત્યારે રૂપિયા 62,700એ પહોંચ્યા છે. જ્યારે ચાંદીના ભાવતો સોના કરતા પણ વધારે જોવા મળી રહ્યા છે. જેનો 1 કિલોએ અગાઉ 66,000 ભાવ ગતો. તે અત્યારે રૂપિયા 76 હજાર સુધી પહોંચ્યો છે. આ સાથે જ છેલ્લા બે-ત્રણ મહિનામાં જ સોનાનો ભાવ ત્રણથી ચાર હજાર રૂપિયા વધ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ આઠથી દસ હજાર રૂપિયા વધ્યો હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે સોના ચાંદીના ભાવની અસરો બજાર ઉપર પણ જોવા મળી રહી છે અને હાલ ગ્રાહકો પણ ખરીદી કરી રહ્યા નથી. તેમજ ગ્રાહકો પણ હવે જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે.