રાજકોટના ટોલનાકા પર ડુપ્લીકેટ આઈકાર્ડથી ટોલ ટેક્સ ચોરીનો પર્દાફાશ થયો છે. કેન્દ્ર સરકારે દ્વારા સારા રોડની સુવિધા મળે તે હેતુથી વિવિધ યોજનાઓ શરૂ કરી હતી. જેના ખર્ચને પહોંચી વળવા માટે ટોલ-ટેક્સ શરૂ કરાયો હતો. દેશભરમાં રૂપિયા 30થી લઈ 150 રૂપિયા સુધીનો ટોલ ટેક્સ લાગુ કરાયો હતો. જેનો હાલ, ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. રાજકોટના જેતપુર પીઠડીયા અને ભરૂડી ટોલ ટેક્સ કેટલાંક પર લોકો ટેક્સમાંથી બચવા માટે નકલી આઈકાર્ડનો ઉપયોગ કરતાં ઝડપાયાં છે.
ભરૂડી અને પીઠડીયા ટોલ ટેક્સ પરથી નકલી આઈકાર્ડ ઝડપાયા - ડુપ્લીકેટ આઈ કાર્ડ
રાજકોટ: જિલ્લાના જેતપુર પીઠડીયા અને ભરૂડી ટોલ ટેક્સમાંથી બચવા માટે નકલી ઓળખપત્ર ઉપયોગ કરતાં હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાય સમયથી એક ટુકડી નકલી ઓળખ બતાવી ટોલ ટેક્સમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહી હતી. ઘટનાની જાણ તંત્રને થતાં ટોલનાકા પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચેકીંગ દરમિયાન આરોપી પાસેથી સરકારી હોદ્દા અને રાજકીય મોભો ધરાવતા વ્યક્તિઓનો નકલી ઓળખપત્રો મળી આવ્યાં હતા. ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
જેતપુરના પીઠડીયા અને ભરૂડી ટોલટેક્સ પર ટોલ અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ, આર્મીમેન અને મંત્રીઓના ડુપ્લીકેટ આઈકાર્ડ મળી આવ્યાં હતા. આરોપી ટોલ ટેક્સથી બચવા માટે મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને પોલીસના ડુપ્લીકેટ ઓળખપત્ર બતાવતા હતા. જેમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં રોજ આશરે રોજના 100થી વધુ ડુપ્લીકેટ ઓળખપત્રનો ઉપયોગ થતો હોવાની માહિતી મળી છે.
આમ, આવા અનેક આરોપીઓના કારણે ટોલ નાકાને વાર્ષિક 1.5 કરોડનું નુકસાન થાય છે. જેનો બોજો આખરે સામાન્ય વ્યક્તિને જ ઉઠાવવો પડે છે.