રાજકોટ જેલના કેદીઓ પરિવાર સાથે ઉજવશે દિવાળી રાજકોટ :દેશભરમાં દિવાળી પર્વની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે. લોકો પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલના 43 જેટલા કેદીઓને 15 દિવસના પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ કેદીઓને પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાનો અવસર મળ્યો છે. જોકે તહેવારની ઉજવણી અને 15 દિવસ પૂર્ણ થયા બાદ તેમને ફરી જેલ ખાતે આવવાનું રહેશે.
રાજ્ય સરકારનો ઉમદા નિર્ણય : આ અંગે રાજકોટ મધ્યસ્થ જેલના ઇન્ચાર્જ નાયબ અધિક્ષક બી.બી. પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સમાજમાં દરેક લોકો પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવાળી પર્વ નિમિત્તે ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટ મધ્યસ્થ જેલના 43 પાકા કામના કેદીઓને ખાસ પેરોલ માટેની રજા આપવામાં આવી છે. તેમાં 26 પુરુષ કેદીઓ અને 17 મહિલા કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
43 કેદીઓને જેલમાંથી મળી રજા : ઇન્ચાર્જ જેલરે વધુમાં જણાવ્યું હતું કે, જે પાકા કામના કેદીઓ છે અને તેમને પોતાની સજા માટે કોઈ પણ અપીલ કરી નથી કે તેવા 60 વર્ષ કરતા વધુ ઉંમરના કેદીઓ અને મહિલા કેદીઓના 15 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. જેલમાં રહેલા પાકા કામના કેદીઓને મુખ્યત્વે પેરોલ પર મુક્ત કરવામાં આવે છે. તેમજ તેમાં તમામ પ્રકારના ગુનાઓના કેદીઓનો સમાવેશ થાય છે.
દિવાળીનો શુભેચ્છા સંદેશ : ગત રાત્રે જેલ તંત્ર દ્વારા આ કેદીઓને લાડુ સહિતની વસ્તુઓ સાથે રાજ્યના જેલ વડાનો શુભ સંદેશ પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત તેમના પરિવારજનોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ કેદીઓમાં પુરુષ કેદીઓને ઉંમર 60 વર્ષથી વધારે છે. તમામ પાકા કામના કેદીઓને 15 દિવસના પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યા છે.
કેવી રીતે મળે છે પેરોલ ? જેલ તંત્રના જણાવ્યા અનુસાર આ વર્ષે મુખ્યત્વે રાજકોટ જેલમાં બંધ અને બે વર્ષથી આજીવન કેદની સજામાં આવેલ હત્યા, અપહરણ, મારામારી અને ભરણપોષણ સહિતના ગુનાઓ આચરી ચૂકેલા અને સારી ચાલ ચલગત ધરાવતા એટલે કે જેલમાં તમામ કર્મચારીઓ સાથે સારો વ્યવહાર હોય, સમયસર પોતાના તમામ કામ પૂર્ણ કરતા હોય અને જેલ તંત્રને સહયોગ આપતા હોય એવા કેદીઓને પેરોલ ઉપર છોડવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
જો કેદી પાછો ન આવે તો ? મળતી માહિતી મુજબ ગત વર્ષે પણ દિવાળી પર્વ નિમિતે 50 કરતા વધુ કેદીઓને પેરોલ મુક્ત કરવામાં આવ્યા હતા. જેનાથી જેલમાં બંધ અન્ય કેદીઓને પણ પ્રેરણા મળતી હોય છે અને તેઓ પણ પોતાનું વાણી-વર્તન અને ચાલ ચલગતમાં સુધારો કરતા હોય છે. જેલમાંથી એકવાર પેરોલ મળ્યા બાદ કેદીઓને પોતાના નિયમ સમયમાં ફરી જેલ ખાતે હાજર થવાનું હોય છે. જો કેદી સમયસર જેલમાં હાજર ન થાય તો જેલ તંત્ર દ્વારા જે તે જિલ્લામાં જ્યાં કેદીનું વતન હોય છે ત્યાં જાણ કરવામાં આવે છે અને તેને પકડવાની તજવીજ કરવામાં આવે છે.
રાજકોટ જેલમાં કેટલા કેદી ? આવા કિસ્સામાં બીજી વખત આ કેદીઓને પેરોલ ઉપર છોડવા અંગેનો નિર્ણય લેવામાં આવતો નથી. જેના કારણે મોટા ભાગના કેદીઓ પોતાના પેરોલ જામીન પૂર્ણ થયા બાદ પરત જેલ ખાતે આવતા હોય છે. જ્યારે આ વખતે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને દરમિયાન 43 જેટલા કેદીઓને પેરોલ મુક્ત કરવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન માત્ર 15 થી 20 કેદીઓ પેરોલ પર જતા હોય છે. હાલ રાજકોટ જેલમાં અંદાજિત 1200 જેટલા કેદીઓ છે, જેમાં પાકા કામ અને કાચા કામના કેદીઓનો સમાવેશ થાય છે.
- રાજકોટ સેન્ટ્રલ જેલમાં FM રેડિયો ગુંજશે, કેદીઓ બનશે RJ
- Diwali 2023: દિવાળીના દિવસે પાટણમાં તૈયાર મેરૈયાએ લોકોમાં જમાવ્યું આકર્ષણ