રાજ્યના ગોંડલ, ઉપલેટા, ધોરાજી અને ભાયાવદરના વિદ્યાર્થીઓ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં અનામત સીટ પર પ્રવેશ મેળવી શકશે - મહારાજા સર ભગવતસિંહજી
રાજ્યના ગોંડલ, ઉપલેટા, ધોરાજી અને ભાયાવદરના વિદ્યાર્થીઓ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં અનામત સીટ પર પ્રવેશ મેળવી શકશે. રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સદસ્ય દ્વારા રજૂઆત કરાઇ હતી. જે રંગ લાવતા અનામત સીટ પર પ્રવેશ આપવાનો અધિકાર રાજકોટ જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવ્યો હતો.
રાજકોટ :શિક્ષણ પ્રેમી ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં દાન અપાયું હતું. જેની સામે ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓને અનામત સીટ પર પ્રવેશ આપવાનું નિર્ધારિત થયું હતું. પરંતુ સમયાંતરે ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાનું બંધ થતાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા રજૂઆતમાં મારો ચલાવાતા આખરે રજૂઆત રંગ લાવી હતી. તેમજ અનામત સીટ પર પ્રવેશ આપવાની સત્તા રાજકોટ જિલ્લા કલેકટરને આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી સદસ્યા ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા દ્વારા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને અનેક વખત રજુઆત કરવામાં આવી હતી કે, રાજવી કાળમાં મહારાજા સર ભગવતસિંહજીએ પુનાની ફર્ગ્યુસન કોલેજને આર્થિક દાન આપ્યું હતું. જેની સામે ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટે અનામત સીટ રાખવામાં આવી હતી. આ સીટ પર પસંદગી કરવાની હતી, હાલ ગુજરાત રાજ્ય અધિક સચિવ, અગ્ર સચિવ અને ઉચ્ચ શિક્ષણ અધિકારી પાસે છે, જે જૂના ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ પાસે માહિતી ન હોવાના કારણે બેઠક દર વર્ષે ખાલી જતી હતી. તેથી તેમાં ફેરફાર કરી વિચારણા કરવા અને રાજકોટ કલેકટરને આ સીટ પર પ્રવેશ આપવાની સત્તાની માંગ કરાઈ હતી. જે મંજૂર થઇ જતાં હવેથી પુના ફર્ગ્યુસન કોલેજમાં અનામત સીટ પર રાજકોટ જિલ્લા કલેકટર ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે. આ મંજૂરીથી ગોંડલ રાજ્યના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં હરખની હેલી પ્રસરી જવા પામી છે.