ઢોર ડબ્બામાં દરરોજ 6-7 પશુઓના મોત - રણજીત મુંધવા રાજકોટ : મનપા દ્વારા શહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી પુરજોશમાં શરૂ છે. એવામાં બીજી તરફ રાજકોટ મનપા દ્વારા પકડવામાં આવેલા પશુઓના ઢોર ડબ્બામાં જ મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે આ મામલે માલધારી સમાજના પ્રમુખ અને કોંગ્રેસના નેતા રણજીત મુંધવાએ મનપા ઉપર આક્ષેપ કર્યા હતા.
વિપક્ષનો આક્ષેપ :આ મામલે રાજકોટ માલધારી સમાજના પ્રમુખ અને કોંગ્રેસના નેતા રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, રાજકોટ મનપાના ઢોર ડબ્બાની અંદર દરરોજ 10-15 ગાયના મૃત્યુ થાય છે. આટલા બધા પશુઓના મૃત્યુ થતા હોવા છતાં મનપાના ચોપડે માત્ર 4-5 ગાયોના મૃત્યુ થતા હોવાનું લખવામાં આવે છે. જ્યારે આ ગાયના મોત પાછળનું કારણ એવું દર્શાવવામાં આવે છે કે, ગાય બીમાર હતી. પરંતુ હકીકતમાં ગાય બીમાર હોતી નથી.
મનપા દ્વારા પકડવામાં આવેલા પશુઓમાં દૈનિક 10 થી 12 પશુઓના મોત થાય છે. પરંતુ કોર્પોરેશનના ચોપડે માત્ર 4-5 જ પશુઓના મોત થતા હોવાનું લખવામાં આવે છે. આ મામલે રાજકોટ મનપાના પશુ વિભાગના અધિકારીએ પણ સ્વીકાર્યું છે કે, કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોર ડબ્બામાં દૈનિક 5-6 પશુઓના મોત થાય છે.-- રણજીત મુંધવા (માલધારી સમાજ પ્રમુખ અને કોંગ્રેસ નેતા)
મૃત્યુનું કારણ :રાજકોટમાં વરસાદના કારણે ઢોર ડબ્બામાં માખી, મચ્છર અને અપૂરતો ખોરાક તેમજ ગંદકી સહિતની બાબતોના કારણે ગાયનું મૃત્યુ થતું હોય છે. રાજકોટ મહાનગરપાલિકામાં બે પશુ ડોક્ટર છે. પરંતુ આ ડોક્ટરો ફિલ્ડમાં જતા નથી. કોઈ પણ પ્રકારની સારવાર પશુઓને આપતા નથી. જેના કારણે મનપાના ઢોર ડબ્બામાં રહેલા પશુઓના મોત થાય છે. આવી બેદરકારી યોગ્ય નથી.
મનપા અધિકારીનું નિવેદન :આ મામલે રાજકોટ કોર્પોરેશનના અધિકારી ડો. બી.આર. જાકાસણીયાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ઓછો થાય તે માટે કોર્પોરેશનની ટીમ દ્વારા રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ કોર્પોરેશન દ્વારા દરરોજ અંદાજે 30 થી 40 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવે છે. જ્યારે શહેરમાં રખડતા પશુઓ એઠવાડ, કચરો, પ્લાસ્ટિક સહિતના પદાર્થો અને ખોરક આરોગતા હોય છે. જ્યારે આ પ્રકારના ખોરાક આરોગવાના કારણે પશુઓના પેટમાં ધીમે ધીમે પ્લાસ્ટિક એકઠું થાય છે. વાછડાઓની વાત કરવામાં આવે તો વાછડાઓમાં પણ કુપોષણ જોવા મળતું હોય છે. જેના કારણે આ પશુઓના મોત થયું હોય છે. કોર્પોરેશનના ઢોર ડબ્બામાં અત્યારે અંદાજિત 1700 જેટલા પશુઓ છે. જેમાં દરરોજ 5 -7 પશુઓના મોત થઈ રહ્યા છે.
- સરકારી શાળામાં સફાઈ કામદાર કરાવી રહ્યો છે અભ્યાસ, વિડીયો વાયરલ
- રાજકોટ મનપા દ્વારા સુધારા સાથેની નવી પાર્કિંગ પોલિસી કરાઈ જાહેર