ગુજરાત

gujarat

ETV Bharat / state

ગત 1 વર્ષમાં 25,000થી વધુ લોકો પર કોરોનાની માનસિક અને શારીરિક અસર થઇ - corona counciling

કોરોનાની મહામારીમાં સમગ્ર દેશમાં ઘણી સમસ્યા જોવા મળી રહી છે. કોરોનાના પ્રારંભે એક અણધારી, કપરી અને વિકટ પરિસ્થિતિએ લોકોને એક ભયના માહોલમાં મૂકી દીધા હતાં. જેમાં કોરોનાની શારીરિક અસર કરતા માનસિક અસરો વધુ જોવા મળી છે. આ અંતર્ગત રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કાઉન્સેલિંગને લઇને ૨૪ માર્ચે બેઠક બોલાવી હતી.

rajkot city
rajkot city

By

Published : Mar 19, 2021, 10:45 PM IST

  • કોરોના કાઉન્સેલિંગ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને 24 માર્ચે બેઠક બોલાવી
  • 25,630થી વધુ લોકોને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા માનસિક સધિયારો અપાયો
  • ઘરેથી દૂર રહેતા વિદ્યાર્થીઓની પણ મદદ કરાઇ
  • બાળકથી લઇને વૃદ્ધ લોકોએ ઘણી માનસિક સમસ્યાઓ અનુભવી હતી

રાજકોટ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવેલી સાયકોલોજીકલ ઇન્ટરવેશન સેન્ટરમાં ફોનની પહેલી રીંગ વાગે છે, હેલ્લો આપ સહાય કેન્દ્રમાંથી બોલો છો? મારે 5 કિલો ખાંડ, 5 કિલો ચોળી, દાળ, મરચું, તેલ જોઈએ છીએ જલ્દી મોકલજો, આવો જ એક કોલ આવે છે, મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર? ત્યાં તમે શું કરો? ભુખ લાગી હોય કઈ ખાવાનું મળશે? જેને ભુખની ચિંતા હોય, ત્યારે તમારી વાતો કોઈ માનશે? આ તો માત્ર જાણવા ખાતર જ ફોન કર્યો છે. મને કોઈ સમસ્યા નથી પણ સારું લાગ્યું કે, વહીવટી તંત્રએ આ પગલું ભર્યું હતું. બસ તેની વધામણી માટે ફોન કર્યો હતો અભિનંદન.આવા ઘણા ફોન કાઉન્સેલિંગ દરમિયાન આવ્યા હતા.

ગત 1 વર્ષમાં 25,000થી વધુ ફોન આવ્યા હતા

લોકોએ લોકડાઉન અને ચિંતા, ડિપ્રેશન, આત્મહત્યાની વૃતિ, એકલતા, તણાવ, મૃત્યુ ભય, ફોબિયા, આક્રમકતા સહિતની માનસિક સમસ્યાઓ સાથે 25,000થી વધુ ફોન કરી મદદ માગી હતી. કોરોના મહામારીને કારણે અકલ્પનીય પરિસ્થિતિ એક વર્ષમાં સર્જાઈ છે. કોરોનાના પ્રારંભે અણધારી, કપરી અને વિકટ પરિસ્થિતિએ લોકોને ભયના માહોલમાં મૂકી દીધા હતા. કોરોનાની શારીરિક કરતા માનસિક પર વધુ અસર થશે, એ વિચાર સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને 24 માર્ચે બેઠક બોલાવી હતી અને 26 માર્ચે મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્રનો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડૉ. જનકસિંહ ગોહીલ અને તેમની ટીમ, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સરકારી સલાહકારોના સંયુક્ત ઉપક્રમે પ્રારંભ કરાયો હતો.

રાત્રિના 12 કલાક સુધી પણ કરવામાં આવતું હતું કાઉન્સેલિંગ

કાઉન્સેલીંગ પ્રક્રિયા વિશે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સટીના અધ્યક્ષ ડો. જોગાસણે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર વતી પાંચ અલગ અલગ નંબરો લોકો સુધી પહોચતા કરવામાં આવ્યા હતાં. સવારે ૮ વાગ્યાથી ફોન કરી લોકો પોતાની સમસ્યાઓ ઠાલવતા અને ક્યારેક રાત્રે ૧૨ વાગ્યા સુધી પણ કાઉન્સીલીંગ ચાલતું. બાળકથી લઇને વૃદ્ધો સુધીનાં લોકો ઘણી માનસિક સમસ્યાઓ અનુભવી રહ્યા છે .બાલવૃદ્ધ સહુ કોઈનુંકાઉન્સેલિંગ કરવામાં આવતું. ખાસ કરીને કોરોના પોઝિટિવ લોકો, તેના કુટુંબીજનો, હોમ કોરોન્ટાઈન, ફેસેલીટી કોરોન્ટાઈન, ઘરથી દુર ફસાયેલા લોકો,સમરસ હોસ્ટેલમાં રહેલ દર્દીઓ, વિદ્યાર્થીઓ જે ઘરથી દુર ફસાયેલ હતા, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને સમાજના એ દરેક નાગરિક સુધી સેવા પહોચી જ્યાં માનસિક સધિયારાની જરૂર હતી.

કોરોનાને લીધે લોકોની માનસિક સમસ્યાઓ વધી હતી

હેલ્પ લાઈન પર કેવા પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે લોકો સંપર્ક સાધતા હતા તે અંગે ડો. યોગેશે જણાવ્યું હતું કે, કોરોનાને લીધે શારીરિક કરતા માનસિક સમસ્યાઓનો સહુથી વધુ લોકોએ સામનો કર્યો. લોકો ચિંતા, ડીપ્રેશન, આત્મ હત્યાવૃતિ, એકલતા, તણાવ, અનિવાર્ય ક્રિયા દબાણ અને વિચાર દબાણ, મૃત્યુ ભય, ફોબિયા, જાતિય વિકૃતિ, આક્રમકતા વગેરે માનસિક સમસ્યાઓનો લોકો ભોગ બન્યા હતા. જેનું પ્રોપર કાઉન્સીલીંગ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોની સમસ્યાઓનું કઇ રીતે નિરાકરણ કરવામાં આવતું તે અંગે અધ્યક્ષ જણાવે છે કે, કાઉન્સીલીંગમાં સહુથી જરૂરી કામ લોકોની સમસ્યાઓ જાણવાનું હોય છે. એક ફોર્મ જેમાં વ્યક્તિઓનો સામેથી સંપર્ક કરી તેની દરેક પ્રકારની માહિતી મેળવવામાં આવતી જેમ કે તેમને કોઈ શારીરિક બીમારી છે?, કોઈ પ્રકારની દવા લે છે?, રાત્રે ઊંઘ આવી જાય છે?, કેવા પ્રકારના વિચારો અને આવેગો અનુભવે છે? વિવિધ પ્રકારના પ્રશ્નોનું એક ફોર્મ તૈયાર કરી રાજકોટ કલેક્ટર ઓફીસ થકી સંપર્ક સાધવામાં આવતો હતો.

૧૩,૦૦૦ હોમ કોરોન્ટાઈન અને કોરોનાના દર્દીઓને અપાઈ સલાહ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવેલી સાયકોલોજીકલ ઇન્ટરવેશન સેન્ટરમાં ૧૩,૦૦૦ હોમ કોરોન્ટાઈન અને કોરોનાના દર્દીઓને સલાહ આપી. ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય રાજ્યમાંથી રાજકોટ આવવાની સમસ્યાઓ ધરાવનાર, ૯૮૦૦ સ્વાસ્થ્ય કર્મીઓ, સ્ટાફ, આમ આશરે ૨૫,૬૩૦થી વધુ લોકોને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શનમાં માનસિક સધિયારો આપવામાં આવ્યો. આ પ્રવૃત્તિને આગળ વધારતા યુનિવર્સિટીમાં સેન્ટર કાર્યરત કરાયુ હતું. જેમા વિવિધ ભવનના તેમજ કોલેજના વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો. સામેથી પણ બહુ લોકોએ પોતાની વેદના અને વ્યથાઓ ઠાલવી. મનોવિજ્ઞાન ભવનમાં સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ રૂબરૂ સલાહ માટે લોકો આવે છે તેમજ ભવનના નંબર ૦૨૮૧-૨૫૮૮૧૨૦ પર ટેલીફોનિક કાઉન્સીલીંગ કરવમા આવી રહ્યા હોવાનું મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે જણાવ્યું છે. આ કેન્દ્રના મુખ્ય સલાહકાર તરીકે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને તેમના માર્ગદર્શન નીચે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો ડો. ધારા દોશી, ડો. ડીમ્પલ રામાની, ડો. હસમુખ ચાવડા, ભવનના વિદ્યાર્થીઓ સેવા પૂરી પાડતા હતા.આ પ્રવૃતીથી પ્રેરાઈ બોટાદ, વડોદરા સહીત અન્ય શહેરોમાં કાઉન્સીલીંગ સેન્ટર શરુ કરવામાં આવ્યા હતાં.

લોકડાઉનમાં લોકો વ્યક્ત કરતા હતા આવી સમસ્યાઓ

  • 135નો માવો નહીં મળે તો ચેન નહીં પડે. તમે ગમે તે કરો મને માવાની ગોઠવણ કરી આપો. હું તેનાથી જ માનસિક મજબુત થઈ જઈશ.
  • મારા પતિને દારૂ પીવાની ટેવ છે, પણ હાલમાં જયારે એને કઈ મળતું નથી તો તે સેનિટાઈઝર અને કફ સિરપ ભેગું કરીને પીવે છે. કોઈનું કઈ માનતા નથી, તમે અમારી મદદ કરો.
  • હાલ હું નર્સ તરીકે કામ કરી રહી છુ. કોવિડની ફરજ બજાવતી હોવાના કારણે હું ઘરે જઈ શકતી નથી, પણ જયારે ઘરે જાવ ત્યારે પાડોશીઓ ખુબ ખુશ થાય અને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવે પણ સાસુ અને પતિ શંકા કરે અને મહેણા મારે. મારે શું કરવું? નોકરી છોડી દેવી કે ચાલુ રાખવી? કઈ સમજાતું નથી.
  • મારા ભાભી અને મમ્મી સતત મારા નાના ભત્રીજાને ગરમ પાણીથી નવડાવે છે. કેમ કે, એને કોરોનાની બહુ બીક છે. મને બીક લાગે છે કે, મારા ભત્રીજાને કંઈ થઈ ન જાય.
  • મારા પપ્પા સતત અમને કોરોનાથી બચવા ઉકાળા પીવડાવ્યા કરે છે. આ ઉકાળાથી મને શરીરમાં બહુ તકલીફ થાય છે, પણ એ સમજવા જ તૈયાર નથી.

ABOUT THE AUTHOR

...view details