26 જૂલાઈ એટલે ભારતીય સેનાની આહુતિનો દિવસ. દેશના જવાનોનો ભવ્ય વિજયી દિવસ. 1999ના કારગિલ યુદ્ધમાં વીર જવાનોએ પોતાના પ્રાણ હોમીને દેશની રક્ષા કરી દુશ્મનોને ધૂળ ચાટતાં કર્યા હતા. ત્યારથી 26 જૂલાઇને કારગિલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ETV ભારતે આ વિશેષ દિન નિમિત્તે નિવૃત્ત નેવી ઓફિસર મનન ભટ્ટ સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમણે પોતાના કારગિલ યુદ્ધના અનુભવો જણાવી, વીરોની શહીદીને ફરી એકવાર તાજી કરી હતી. મનન ભટ્ટે નૌકાદળે ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું અને પેટ્રોલ-ડીઝલના જથ્થાને રોકવા માટે જવાનોએ કરેલી જહેમત વાત વિશે વાત કરી હતી. ત્યારબાદ તેમણે કારગિલ યુદ્ધ વિશે લખાયેલી પુસ્તક અંગે રસપ્રદ વાતો જણાવી હતી.
'કારગીલ યુદ્ધ ગુજરાતમાં શહીદો' નામની પુસ્તક વિશે વાત કરતાં ઓફિસર જણાવે છે કે, "કારગિલ યુદ્ધ એ મારા જીવનનો અવિસ્મરણીય અનુભવ છે. જેનો ભાગ બનવાની મને તક મળી એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આ યુદ્ધમાં શહીદ થયેલાં જવાનો માટે હું કંઈક કરવા ઇચ્છતો હતો. એટલે બે વર્ષ સંશોધન કરી મેં 'કારગીલ યુદ્ધ ગુજરાતમાં શહીદો' નામની પુસ્તક લખી.જેમાં શહીદે છાતીમાં લીધેલી એક-એક ગોળી વિશે અને તેમની આખરી પળોને કાગળમાં ઉતારી છે. આ પુસ્તક થકી હું જવાનોની શહીદીને લોકો સુધી પહોંચાડવા માગું છે. જેથી લોકો પોતાની સ્વતંત્રતાની કદર કરતાં થાય, અને આઝાદીના મૂલ્ય સમજે."