રાજકોટ: કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ અંબલિયાએ રવિવારે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના બે અધિકારીઓ વિરુદ્ધ માર માર્યાની લેખિત ફરિયાદ નોંધાવી છે.
કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી - રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ
કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ રવિવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના બે અધિકારીઓ વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ દાખલ કરી છે. જાણો શું છે સમગ્ર મામલો.
સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો પાલ અંબલિયા સહિત કોંગી કાર્યકર્તાઓ દ્વારા રાજકોટમાં બે દિવસ અગાઉ કલેકટર કચેરી ખાતે પીએમ કેર ફંડમાં ડુંગળી, એરંડા સહિતના પાકની બોરીઓ લઈને કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા માટે આવ્યા હતા. જે દરમિયાન કોંગી નેતાઓ કલેક્ટર કચેરીમાં પ્રવેશે તે પહેલા જ પોલીસ દ્વારા પાલ અંબલિયા સહિતના કોંગી કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.
જો કે પાલ આંબલિયા દ્વારા જામીન પર મુક્ત થયા બાદ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો અને રવિવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા અને પીઆઇ એચ.એમ ગઢવી વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવી હતી.