રાજકોટ :ઉપલેટા શહેરમાં આવેલી સરકારી કોટેજ હોસ્પિટલ જર્જરીત હાલતમાં હોય તેમજ દર્દીઓને પૂરતી સુવિધા નહીં મળતા હોવાનું સામે આવતા તે વખતના ધારાસભ્ય લલિત વસોયાએ સરકારમાં રજૂઆત કરી કરી હતી. આ રજૂઆત માન્ય રાખી સરકાર તરફથી આ હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે, પરંતુ ભાજપ કોંગ્રેસની ખેંચતાણમાં જે તે વખતના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા દ્વારા મંજૂર કરાવેલ હોસ્પિટલનો જસ કોંગ્રેસના ધારાસભ્ય ન લઈ જાય તે માટે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ પણ આ હોસ્પિટલનું કામ શરૂ નહીં કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જે બાદ સરકાર બદલાય ગઈ અને સ્થાનિક ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય હોવા છતાં પણ આ કામ શરૂ નહીં કરાતા રાજકીય ખચવાટ હોવાના આક્ષેપો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ લગાવ્યા છે. આ રાજકીય ખચવાટને લઈને દર્દીઓ સુખ સુવિધાઓ માટે મંજૂર કરાયેલ કરોડોની ગ્રાન્ટ હજુ સુધી નહીં વપરાતા દર્દીઓને પૂરતી સુવિધાઓ નહીં મળતી હોવાનું સામે આવ્યું છે.
કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી : આ અંગે ધોરાજી-ઉપલેટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લલિતે વસોયાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 2019 ની અંદર હોસ્પિટલની પરિસ્થિતિ જોઈએ દર્દીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે તેમના દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને સરકારે પણ તેમની રજૂઆતો સાંભળી અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. અહી મંજૂરી મળી ગઈ હોવાની વિગતો ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે, પરંતુ ધારાસભ્ય લલિત વસોયાના આક્ષેપ અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય જાસ ન લઈ જાય તે માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને આગેવાનો દ્વારા કોઈના કોઈ ભોગે આ કામ અને દર્દીઓને મળતી સુખ સુવિધાઓ અટકાવવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં વર્તમાન સમયની અંદર સ્થાનિક ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય છે તેમજ આ વિસ્તારમાં સાંસદ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના સૌ કોઈની અંદર ભાજપનું શાસન છે. આ છતાં પણ દર્દીઓ માટેની સુખાકારી માટે હજી સુધી કેમ આ સુવિધા નથી ચાલુ કરવામાં આવતી તેને લઈને પણ ભાજપના આગેવાનો પર આક્ષેપ લલીત વસોયા દ્વારા લગાવવામાં આવ્યા છે.
ઉપલેટાની સિવિલ હોસ્પિટલ જર્જરિત:આ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવેલા દર્દીના પરિવારના સભ્ય હિનાબા જાડેજાએ પણ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, તેમની માતાની તબિયત લથડતા તેઓ સારવાર અર્થે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા ત્યારે સારવાર અર્થે ગયા હતા ત્યારે હોસ્પિટલની બિલ્ડીંગની પરિસ્થિતિ જોતા તેમને સારવાર લેવામાં ડર લાગ્યો હતો. જે બાદ તેમના દ્વારા આ અંગે માહિતીઓ મેળવતા તેમને પણ જાણવા મળ્યું હતું કે, આ હોસ્પિટલ ત્રણ વર્ષ પહેલાં અંદાજિત 15 કરોડના ખર્ચે મંજૂર થઈ છે અને મંજુર થયાના ત્રણ વર્ષ વિત્યા બાદ પણ હજુ સુધી આ હોસ્પિટલનું નવ નિર્માણ કાર્ય કયા કારણે શરૂ નથી કરવામાં આવ્યું તેને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે તવધુમાં તેમને જણાવી છે. અહીં ખાસ કરીને નાના તેમજ મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય છે અને મહિલાઓ પણ અહીં વધારે સારવાર લેવા માટે આવતી હોય છે. જેથી આ હોસ્પિટલની હાલત જોઈને ત્યાં સારવાર લેવામાં પણ ભય અને ચિંતા સતાવે છે. આ હોસ્પિટલનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અને લોકોની સુખાકારી માટેનું કાર્ય વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે.
ચોમાસામાં હોસ્પિટલની અંદર પાણી ટપકે છે :ઉપલેટા શહેરના લુહાણા મહાજન સમાજના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીંયા દરરોજના 500 થી 700 જેટલા દર્દીઓ સારવાર લેવા આવે છે જેમાં ઉપલેટા તેમજ આજુબાજુના તાલુકાના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે. અહીં બેડની પૂર્તિ વ્યવસ્થા ન હોય તેમજ ચોમાસા દરમિયાન હોસ્પિટલની અંદર પાણી ટપકતું હોવાની બાબત જણાવી છે. આ સાથે જ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે તેમજ ભય સતાવે છે જેને લઈને દર્દીઓને સારવાર માટે મોટા શહેરોમાં અથવા તો ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે તેવું જણાવ્યું છે. અહિયાં સરકાર દ્વારા 15 કરોડ ઉપરાંતની રકમ જે ત્રણ વર્ષ પહેલા મંજૂર થઈ છે તે રકમને ઉપયોગ કરી અને દર્દીઓને મળતી સુખ સુવિધાઓ માટે અને માનવતાના કાર્યમાં વહેલી તકે શરૂ કરવા માટે જવાબદાર તંત્ર અને સરકારને વિનંતી કરી છે અને વહેલી તકે આ હોસ્પિટલ નવ નિર્માણ પામે તેવી પણ માંગ કરી છે.