રાજકોટઃ એક માતા પોતાના સંતાનોથી છ-છ મહિના સુધી દૂર હોય, તેને મળી ના શકે, તેને વ્હાલ ના કરી શકે. તેની પીડા-કષ્ટ- દુ:ખ એક માતા જ સમજી શકે. વિશ્વવ્યાપી કોરોના માહામારીના પગલે અનેક ભાવાત્મક-લાગણીભર્યા પ્રસંગો સર્જાયા છે. એક તરફ સ્વજનોથી દુર રહેવાનું દુ:ખ, જીવનુ જોખમ, બીજી તરફ કર્તવ્ય. આ અસમંજસની સ્થિતિમાં આરોગ્યકર્મીઓ પોતાની ફરજને અગ્રેસર રાખીને, સંકટના સમયમાં પરિવાર-સંતાનોની પરવાહ કર્યા વગર સમાજ- રાષ્ટ્રસેવાને પ્રથમ હરોળમાં રાખી છે. આ માનવસેવાના યજ્ઞમાં સૌ કોઈ પોતાના સામાર્થ્ય મુજબ આહુતિ આપી રહ્યા છે ત્યારે આવા જ એક કર્મયોગી પરિચારિકા છે ભાવિનીબેન બાવા. પોતાની માત્ર બે વર્ષની પુત્રીને છેલ્લાં છ માસથી છોડીને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સાર-સંભાળ લઈ રહ્યા છે.
મૂળ માણસા જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી, હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં સેવારત પરિચારિકા-નર્સ ભાવિનીબેન બાવા કહે છે કે, મારે બે વર્ષની બેબી છે, લગભગ છ મહિનાથી એકબીજાથી દૂર છીએ. આટલા સમયગાળામાં કોને પોતાના સંતાનો યાદ ન આવે ? પરંતુ આ મહામારીમાં નર્સિંગ સ્ટાફની બહુ મોટી ભૂમિકા રહેલી છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારનો ખૂબ સાથ મળ્યો છે. પરિવારજનો કહે છે કે, ઘરની ચિંતા કર્યા વગર શાંતિથી તારી ફરજ નિભાવ. મારી બેબી પણ તેમની જોડે રહે છે. આટલી નાની વયે તેનાથી દૂર રહેવુ એક માતા માટે કઠિન તો છે.