રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજરોજ બુધવારે રાજકોટ ખાતે કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં સુપર સ્પ્રેડિંગ થતું અટકાવવા માટે અમદાવાદમાં હાથ ધરાયેલી સ્ટ્રેટર્જી મુજબ સુપર સ્પ્રેડરોનું સ્ક્રિનિંગ કરી તેમના અને ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે તેમના એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવશે. જે મુજબ પ્રથમ રાજકોટ શહેરના શાકભાજી વેંચતા ફેરિયાઓ અને ત્યારબાદ ક્રમશઃ વાળંદ, કરિયાણાના વેપારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજકોટ શહેરમાં ધન્વંતરી રથના માધ્યમથી ગીચ વિસ્તારોમાં જઈને લોકોના આરોગ્યની તપાસ કરવા તથા રથ દ્વારા નિયત સમયે નિયત સ્થળે સતત 15 દિવસ સુધી લોકોની તપાસણી થતી રહે એ પ્રમાણે કાર્ય કરવા પણ CMએ જણાવ્યું હતું.
CM રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજકોટમાં કોરોના સંક્રમણની પરીસ્થિતિની સમીક્ષા અર્થે બેઠક યોજાઇ જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલા લોકોના ટેસ્ટિંગ પર ભાર મૂકી આ ઝોનમાં રહેતા લોકો માટે સંજીવની રથ રૂપી સુવિધા ઉપલબ્ધ બનાવીને આરોગ્યકર્મીઓના માધ્યમથી તેઓની સારવાર તેમજ તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે નિયમિત ઉકાળાનું વિતરણ કરવાનું પણ જણાવ્યું હતું.
રૂપાણીએ રાજકોટ જિલ્લાની હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સિજન બેડની સુવિધા, હ્યુમન રિસોર્સ, હોમ આઈસોલેશન, કોવિડ કેર સેન્ટર, ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફની સ્થિતિ, ક્રિટીકલ દર્દીઓની પરિસ્થિતિ, એમ્બ્યુલન્સ, મશીનરીની સુવિધાઓની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે કોરોનાની પરિસ્થિતિમાં જિલ્લાની આરોગ્યલક્ષી વ્યવસ્થાઓથી અવગત થઈને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જિલ્લામાં કોરોના સંદર્ભે હાથ ધરાયેલ કામગીરી તબીબી સ્ટાફ, તેમજ ઉપલબ્ધ સુવિધા બાબતે વિસ્તૃત વિગતો આપી હતી, મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલે શહેરી વિસ્તારની કોરોનાની પરિસ્થિતિની માહિતી આપી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાએ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. આ તકે જિલ્લા નોડલ અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા સમગ્રતયા હાથ ધરાયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો.