રાજકોટઃ ગોંડલ પંથકમાં રવિવાર બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પણ પડ્યો હતો. જે કારણે ગોંડલ પંથકમાં ભારે નુકસાન થયું હતું. સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ત્રણ હજારથી પણ વધુ ગુણીઓ પલળી હતી. જેતપુર રોડ, ગુંદાળા રોડ તેમજ પંથકના ઘણા ગામોમાં અસંખ્ય વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત ઔદ્યોગિક વસાહત જામવાળી જીઆઈડીસી નજીક કેટલાક કારખાનાના છાપરા ઉડ્યા હતા.
વરસાદ અને વાવાઝોડાના કારણે શ્રમિકોની ઓરડીઓ પણ ધરાશાયી થવા પામી હતી. શહેર તાલુકામાં વીજ બીલથી બચવા માટે લોકો દ્વારા ઠેરઠેર સોલાર પેનલ ફીટ કરવામાં આવી હતા. જેમાની ઘણી સોલાર પેનલો પતંગની માફક રાજમાર્ગો પર પટકાઈ હતી. આ અંગે કોન્ટ્રાક્ટરોને સવાલ કરવામાં આવ્યા હતા. જેના યોગ્ય જવાબ ન આપી શકતા લોકો રોષે ભરાયા હતા.