રાજકોટ :રાજકોટના લોકમેળામાં બીજા દિવસે વિવિધ સ્ટોલ ધારકો અને પાથરણા વાળાઓ વચ્ચે માથાકૂટ સર્જાઇ હતી. જ્યારે વહીવટી તંત્ર દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો. લોકમેળાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. એમાં વિવિધ ખાણીપીણીના અને રમકડાના સ્ટોલ માટેની અરજી કરવામાં આવે છે. ત્યારે વેપારીઓ ઊંચી કિંમત આપીને સ્ટોલની ખરીદી કરતા હોય છે. પાથરણા વાળાઓ અચાનક અંદર આવીને અલગ અલગ વસ્તુઓ વેચતા હોય છે. જેના કારણે સ્ટોલ ધારકોને મોટી નુકશાની વેઠવી પડે છે. ત્યારે સ્ટોલ ધારકો અને પાથરણા વાળા વચ્ચે બબાલ સર્જાઈ હતી.
શું હતો મામલો ? લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી પાંચ દિવસ માટે મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા માટે આવતા હોય છે. એવામાં અહીંયા મોટા પ્રમાણમાં લોકોને રોજગારી પણ પ્રાપ્ત થતી હોય છે. ત્યારે સ્ટોલ ધારકો દ્વારા અહીંયા હરાજીમાં ખાણીપીણી તેમજ રમકડાના સ્ટોલ લેવામાં આવતા હોય છે. બીજી તરફ પાથરણાવાળાઓ મેળામાં જ્યાં જગ્યા મળે ત્યાં પોતાની રોજગારી ઉભી કરતા હોય છે. તેઓ પાથરણા પાથરીને અલગ અલગ વસ્તુઓની વહેંચણી કરી અને રોજગારી મેળવતા હોય છે.