રાજકોટ:ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ વેણુ સિંચાઇ યોજનાના પાણીનો સ્ટોરેજ ટેન્ક ગત દિવસે ધરાશાયી થયો હતો. જેમાં જર્જરિત હાલતમાં રહેલા આ ટેન્ક અચાનક તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ જ જર્જરીત ટાંકી અંગે સ્થાનિકોએ તોડી પાડવાની અગાઉથી જ લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ તંત્રની ઢીલાસના કારણે આ ટાંકી તૂટી પડતા પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેશે. જેના કારણે મહિલાઓમાં તંત્ર પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓએ માંગ કરી છે કે, સમારકામ થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા પાણીના ટેન્કર શરૂ કરવામાં આવે.
'ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલી પાણીની ટાંકી તૂટી પડી છે. હાલની પરિસ્થિતિમાં મરામત ન થાય ત્યાં સુધી પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેશે. જેમાં વહેલી તકે સમારકામ કરી પુનઃ વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવ્યું છે.' -નીલમ ઘેટીયા, નગરપાલિકા ચીફ ઓફિસર, ઉપલેટા
તંત્રની બેદરકારી લોકોને ભોગવવાનું: ઉપલેટા શહેરમાં તંત્રની બેદરકારી અને ઢિલાસના કારણે છ લાખ લિટરની ટાંકી તૂટી પડી છે. જેના કારણે પાણી કાપ મુકાયો છે. ત્યારે પાણીથી વંચિત રહેતા વિસ્તારની મહિલાઓ તંત્ર સામે આંદોલનની ચીમકી આપી છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીના ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ મહિલાઓએ કરી છે. અંગે સ્થાનિક મહિલા પ્રફુલાબેન હુડકા એ જણાવ્યું હતું કે, " તેમના ઘરની બાજુમાં આવેલી જર્જરીત ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેમ હતી જેથી તેમના વિસ્તારના લોકો દ્વારા લેખિત અને મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી. છતાં પણ તંત્રએ કામગીરી ન કરતા તેમના ઘરની બાજુમાં રહેલ ટાંકી અચાનક તૂટી પડતા તેમનો કાટમાળ તેમના ઘર અને તેમના આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં ઉડી આવ્યો હતો.