રાજકોટ :દેશમાં બાળ મજુરીનો કાયદો તો છે, પરંતુ આ કાયદાનું પાલન જોઈએ તે પ્રમાણે થતું ન હોવાના કારણે છાશવારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી બાળ મજૂરો મળી આવતા હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટના હોસ્પિટલ ચોક નજીક આવેલી ધ ગ્રાન્ડ ઠાકર હોટલમાં કામ કરતા 10 જેટલા બાળ મજૂરો ધ્યાને આવ્યા છે. જ્યારે બચપન બચાવો સંસ્થા અને ડીસ્ટ્રીક ટાસ્ક ફોર્સ દ્વારા હોટલમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 10 જેટલા પરપ્રાંતીય બાળ મજૂરો મળી આવ્યા હતા.
ધ ગ્રાન્ડ ઠાકર હોટલમાં બાળમજૂરી : રાજકોટમાં 10 જેટલા બાળ મજૂરો મળી આવવાની ઘટના સામે આવી છે. આ મામલે બચપન બચાવો સંસ્થાના શીતલ સંજીવ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને જાણ થઈ હતી કે રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર હોટેલમાં 18 વર્ષથી નીચેના બાળકોને મજૂરી કરાવવામાં આવી રહી છે. જેના આધારે અમારી સંસ્થા અને ડીસ્ટ્રીક ટાસ્ક ફોર્સ દ્વારા હોસ્પિટલ ચોક નજીક આવેલી ગ્રાન્ડ ઠાકર હોટલમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 10 જેટલા બાળમજૂરો મળી આવ્યા હતા. જ્યારે આ બાળમજૂરો છેલ્લા ઘણા સમયથી અહીંયા કામ કરી રહ્યા હતા. હોટેલની પાછળ તેમને હોટેલ માલિક દ્વારા ઓરડી બનાવી આપવામાં આવી હતી. જ્યાં તેઓ રહેતા અને હોટલમાં જ જમતા હતા.
10 બાળમજૂરો મળ્યા : મળતી વિગત અનુસાર હોટલમાંથી મળી આવેલા બાળ મજૂરોમાંથી 7 ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓના વતની છે. જ્યારે બે રાજસ્થાનના અને 1 નેપાળનો રહેવાસી છે. આ તમામ બાળકોને હાલ સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે. આ બાળકો પોતાના પરિચિતો મારફતે જ અહીંયા રાજકોટમાં કામ માટે આવ્યા હતા. આ બાળમજૂરોને સ્પેશ્યલ બોયઝ ફોર હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ હોટલના માલિક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
બચપન બચાવો સંસ્થાનો સહયોગ : બચપન બચાવો સંસ્થાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અહીંયા બાળકોને બે ટાઈમનું જમવાનું અને મહત્તમ 8000 રૂપિયા જેટલો પગાર આપવામાં આવતો હતો. મોટાભાગના બાળકો આઠ ધોરણ સુધી ભણ્યા છે. ત્યારબાદ તેઓ મજૂરી કામ માટે રાજકોટ ખાતે આવ્યા હતા.
પોલીસ કાર્યવાહી : ધ ગ્રાન્ડ ઠાકર હોટેલમાંથી 10 બાળમજૂરો મળી આવવાની ઘટનાને પગલે રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા હોટલના માલિક વનરાજભાઈ હસમુખભાઈ ઠાકર વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમ 79 અને આઈપીસીની કલમ 374 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ધ ગ્રાન્ડ ઠાકર હોટેલમાંથી 10 જેટલા પરપ્રાંતિય બાળ મજૂરો મળી આવવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. ત્યારે પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- Surat Child Labour : સુરત શહેરમાં બાળ મજૂરી કરાવી રહેલા હોટલ સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી
- World Anti Child Labor Day : આંતરરાષ્ટ્રીય બાળ મજુરી વિરોધી દિવસે જોવા મળ્યા બાળ મજૂરોના દ્રશ્યો