રાજકોટ :શહેરમાં આવેલ અમદાવાદ, પોરબંદર, સોમનાથ, જૂનાગઢ સાથે જોડતા રાજકોટ, ગોંડલ, જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ગોંડલ ચોક ખાતે એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજ ગુજરાતનો પ્રથમ સિંગલ પિલર એટલે કે એક જ થાંભલા પર અને તે પણ ત્રણ તરફ ખૂલતો 1.20 કિમી લાંબા સિક્સલેન ઓવરબ્રિજનું બનાવવામાં આવ્યો છે.
ત્રણ બ્રિજની ભેટ :વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટને અલગ-અલગ એમ ત્રણ બ્રિજની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. આ બાબતે તાજેતરમાં થોડા સમય પૂર્વે શહેરના કાલાવડ રોડ પર જડુસ ચોક ખાતે ઓવરબ્રિજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂક્યો છે, ત્યારબાદ આજે રાજકોટ ગોંડલ હાઇવે પર ગોંડલ ચોક ખાતે 1.20 કિમી લંબાઈ ધરાવતા સિક્સલેન ઓવરબ્રિજને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો બ્રિજ : વર્ષ 2018માં આ બ્રિજ બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ ગુજરાતનો પ્રથમ સિંગલ પિલર એટલે કે એક જ થાંભલા પર સિક્સ લેન અને તે પણ ત્રણ તરફ ખૂલતો બ્રિજ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહી બે વર્ષમાં કામ પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ એજન્સી દ્વારા કામ ન થતાં અધુરૂ મૂકી દેવામાં આવ્યું હતું. બાદમાં અન્ય એજન્સીને કામ આપવામાં આવ્યું અને અંતે 5 વર્ષ બાદ કામ પૂર્ણ થતાં 90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ બ્રિજને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવનાર છે.
ટ્રાફિક સમસ્યાનો હલ : આ બ્રિજ બનાવનાર એજન્સીએ પોતે જ 10 વર્ષ સુધી તેની સંભાળ રાખવાની રહેશે. સિક્સ લેન ધરાવતો આ ફ્લાય ઓવરબ્રિજ રાજકોટને જૂનાગઢ અને સોમનાથ સાથે જોડતો મહત્ત્વપૂર્ણ માર્ગ પરનો એક છે. જ્યારે હવેમહત્વના ટ્રાફિક પોઇન્ટ ગોંડલ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા હલ થશે. આ ઉપરાંત શાપર ઔદ્યોગિક વિસ્તારના વાહન ચાલકોને સુવિધા રૂપ પુરવાર થશે.