રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીના કારણે હાહાકાર જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજકોટમાં કોરોના વાઇરસના કેસ વધે નહીં તે માટે આરોગ્ય વિભાગ સાથે પોલીસ પણ સતત પ્રયત્નશીલ રહી છે.
રાજકોટમાં દરરોજ 3500થી વધુ વાહનોનું ચેકીંગ - Rajkot Police
રાજકોટમાં વૈશ્વિક મહામારી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટ તંત્ર સાવચેતીના વધુ પગલા લઇ રહ્યું છે. રાજકોટ પોલીસ દ્વારા દરરોજના 3500 કરતા વધુ વાહનોનું ચેકીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વાહન ચેકીંગથી લઇને વાહન ડિટેઈન તેમજ જાહેરનામાના ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવી રહ્યા છે, ત્યારે મંગળવારે જ રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં 3802 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસે 172 વાહનોને ડિટેઈન કર્યા હતા અને 1 જાહેરનામના ભંગનો કેસ પણ નોંધ્યો હતો.
આ ઉપરાંત રાજકોટના સેકટર એકમાં 1008 વાહનોનું ચેકીંગ, જ્યારે બેમાં 730 વાહનો, ત્રણમાં 820 વાહનો અને 4માં 1244 જેટલા વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. હજુ પણ રાજકોટ પોલીસ દ્વારા આનાથી વધુ કામગીરી કરવાનું આયોજન પણ ઘડવામાં આવી રહ્યાનું પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે.